November 22, 2024

ડિજિટલ અરેસ્ટના નામે ઠગાઈના નેટવર્કનો પર્દાફાશ, 17 આરોપીની ધરપકડ

મિહિર સોની, અમદાવાદઃ ડિજિટલ અરેસ્ટ નામે ચાલતી ઠગાઈના નેટવર્કના માસ્ટર માઇન્ડ તાઇવાન નાગરિકો ઝડપાયા છે. ઠગાઈનો બિઝનેસ ભારતમાં ચલાવવા 4 વર્ષ રિસર્ચ કર્યું હતું. ત્યારબાદ ડિજિટલ એરેસ્ટ, શેર માર્કેટમાં રોકાણ, ગેમિંગ ઝોનના નામે આરોપીઓ કરોડો રૂપિયાની છેતરપિંડી કરતા હતા. તાઇવાનથી લઇ ભારતનાં જુદા જુદા રાજ્યોમાં ફેલાયેલા નેટવર્કના 17 જેટલા આરોપીઓની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે.

સાયબર ક્રાઇમની કસ્ટડીમાં જોવા મળતા આરોપીઓ મુ ચી સંગ ઉર્ફે માર્ક, ચાંગ હાવ યુન ઉર્ફે માર્કો, વાંગ ચુન વેઇ ઉર્ફે સુમોકા અને શેન વેઇ હાવ ઉર્ફે ક્રીશની ધરપકડ કરી છે. ચારેય તાઇવાના આરોપીઓ ડિજિટલ અરેસ્ટ નાં માસ્ટર માઈન્ડ છે. તેઓ સાયબર સ્કેમ માટે જુદા જુદા રાજ્યોમાં ઠગ ગેંગ ઉભી કરી હતી. જેઓ જુદા જુદા સ્કેમ હેઠળ લોકોને ટાર્ગેટ કરીને છેતરપિંડી આચરતી હતી. આ આંતરરાષ્ટ્રીય ગેંગની અંદર ભારતીયો સહિત 17 લોકોની ધરપકડ કરી પર્દાફાશ થયો છે. આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો અમદાવાદના એક સિનિયર સિટીઝનને આ ગેંગ દ્વારા CBIના નામે ડરાવી ધમકાવીને ડિજિટલ અરેસ્ટ કરીને રૂપિયા 80 લાખ રૂપિયા પડાવ્યા હતા. આ મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાતા સાયબર ક્રાઇમની ટીમે ટેક્નિકલ એનાલિસિસ કરીને ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત, લીંબડી તથા મુંબઈ, ઓડિશા, દિલ્હી, બેંગ્લોર, ડુંગરપુર સહિત અલગ અલગ જગ્યાએ સર્ચ ઓપરેશન કરી સમગ્ર નેટવર્ક ઝડપી પાડવામાં આવ્યું છે.

સાયબર ક્રાઇમની ટીમે આ ઠગાઈ કેસમાં ઉપયોગમાં લેવાયેલા બેંક એકાઉન્ટના હોલ્ડર ભાવેશ સુથારની ધરપકડ કરીને પૂછપરછ કરતા વડોદરાના લિલેશ પ્રજાપતિ અને જયેશ સુથાર નામ ખૂલ્યું હતું. આ બંને આરોપીઓ બેંક એકાઉન્ટ અન્ય લોકોનાં ભાડે લઈ ને તેમને કમિશન આપતા હતા. આ બેંક એકાઉન્ટ પી.કે ઉર્ફે પ્રવીણ પંચાલ ને પ્રોવાઇટ કરતા હતા. ત્યારબાદ પ્રવીણ પંચાલની ધરપકડ કરતા નવી દિલ્હીના સેફ હૈદર ઉર્ફે સેમ સિદ્દીકી નામ ખૂલ્યું હતું. સાયબર ક્રાઇમની ટીમે દિલ્હીમાં રેડ કરી તપાસ કરતા મીની કૉલ સેન્ટરમાં સેફ હૈદર ઉર્ફે સેમ સિદ્દીકી ઝડપી લીધો હતો. જેના દ્વારા પૂછપરછમાં તાઇવાન નાગરિકો દ્વારા ઠગાઈનું આંતરરાષ્ટ્રીય નેટવર્ક ચલાવવામાં આવતું હોવાનું પર્દાફાશ થયો હતો. આ મિની કૉલ સેન્ટરને ડાર્ક રૂમ કહેવાય છે. સાયબર ક્રાઇમે વડોદરા, દિલ્હી, મુંબઈ અને બેંગ્લોરમાંથી ચાર ડાર્ક રૂમ ઝડપાયા છે. સિસ્ટમ ડેવલોપ કરનારી મુખ્ય આરોપી તાઇવાનનો મુચી સંગ ઉર્ફે માર્ક હોવાનું ખુલ્યું છે જેની દિલ્હીની તાજ હોટલમાંથી ધરપકડ કરી છે.

આ આંતરરાષ્ટ્રીય ગેંગની મોડ્સ ઓરેપડની વાત કરીએ તો આરોપીઓ દિલ્હીથી મોબાઈલ મેળવી બાદમાં મોબાઈલને રૂટ કરાવીને યુએસબી ચાર્જીંગ હબ સાથે જોડાણ કરીને મીની કોમ્યુટર સાથે કનેક્ટ કરતા હતા. ત્યારબાદ વાઇફાઇ રાઉટરના માધ્યમથી ઈન્ટરનેટ સાથે કનેક્ટ કરીને એક સિસ્ટમ તૈયાર કરતા હતા. આ રૂટ કરેલા મોબાઈલમાં બેંકમાં રજિસ્ટર થયેલા મોબાઈલ નંબરવાળું સીમ કાર્ડ ઇન્સર્ટ કરતા હતા. આ રૂટ પર આવેલા મોબાઈલના ઓટીપીને ઈન્ટરનેટના માધ્યમથી તાઇવાનમાં રહેલી ગેંગને મળી જતા હતા. આ ઓટીપીનો ઉપયોગ કરીને તાઇવાનના આરોપી ભાડેથી મેળવેલા બેંક એકાઉન્ટને ઓપરેટ કરતા હતા. આ બેંક એકાઉન્ટમાં અલગ અલગ ફ્રોડ સ્કીમથી આવેલા નાણાંને બીટ કોઈનમાં કન્વર્ટ કરતા હોવાનું તેમજ મની લોન્ડિંગ માટે ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું છે. આ આરોપી દરરોજનું 2થી 2.5 કરોડનું ઠગાઈના પૈસાથી ટર્નઓવર હોવાનું ખૂલ્યું છે. જો કે, આ ઠગાઈનું નેટવર્ક વધારીને ટર્નઓવર 10 કરોડ કરવાનો ટાર્ગેટ તાઇવાનની ઠગ ટોળકીનો હતો. તેની માટે તાઇવાન નાગરિકો બેંગ્લોરમાં ગેંગ સાથે મિટિંગ કરવા સ્પેશિયલ આવ્યા હતા. જો કે, દિલ્હી આવતાં જ સાયબર ક્રાઈમની ટીમે ચારેય તાઇવાન ઠગને ઝડપી લીધા છે.

તાઇવાનનો ઠગ મુખ્ય આરોપી મૂચી સંગે કોમ્પ્યુટર સાયન્સની ડિગ્રી મેળવી છે. તેણે ભારતમાં ઠગાઈનું નેટવર્ક ઉભું કરવા માટે ચાર વર્ષ સુધી રિસર્ચ કર્યું હતું. આ ઠગ ટોળકી વિરુદ્ધ NCRB પોર્ટલમાં 450થી વધુ ફરિયાદો થયેલી છે. આ સાથે જ છેલ્લા ઘણાં વર્ષોથી આ ટોળકીએ એક હજારથી વધુ લોકો ભોગ બન્યા હોવાની આશંકા સાયબર ક્રાઇમ વ્યક્ત કરી છે. હાલમાં સાયબર ક્રાઈમે 761 સીમ કાર્ડ, 120 મોબાઈલ, 96 ચેક બુક, 92 ડેબિટ ક્રેડિટ કાર્ડ, 98 ચેક, 42 પાસબુક, 32 યુએસબી ચાર્જીંગ હબ, દુબઈના 3 મેટ્રો કાર્ડ, 2 સીપીયુ, 26 મીની કોમ્પ્યુટર, 9 રાઉટર, 7 લેપટોપ, મોબાઈલ, સ્વાઇપ મશીન, 6 હિસાબના ચોપડા અને 12.75 લાખની રોકડ જપ્ત કરી છે.

સાયબર ક્રાઇમની તપાસમાં ચાઈનાથી નેટવર્ક ઓપરેટ કરવામાં આવતું હોવાનું ખુલ્યું છે. જેમાં મલ્ટિકન્ટ્રી બેઝ ઠગાઈનું નેટવર્ક સક્રિય છે. આ ટોળકી T1, T2, T3 અમે 3 અલગ અલગ ટાસ્કના આધારે ઠગાઈ કરતા હતા. જેમાં T1 એટલે ગેમિંગના નામે ઠગાઈ, T2 એટલે શેર માર્કેટમાં રોકાણના નામે ઠગાઈ અને T3 એટલે ડિજિટલ અરેસ્ટના નામે છેતરપિંડી આચરતા હતા. જેમાં એક ઠગ ગ્રુપ સોશિયલ મીડિયા અને ટેલિગ્રામ દ્વારા નેટવર્ક ચલાવતા હતા. જ્યારે અન્ય ગ્રુપ કમ્બોડીયા, વિએતનામ, મ્યાનમાર, લાઓસ અને તાઈવાનથી ભારતીય નાગરિકોને ટાર્ગેટ કરતા હતા. મહત્વનું છે કે, આ દેશમાં નોકરી માટે ગયેલા કેટલાક ભારતીય યુવકોને ડરાવીને આ ગેંગમાં સામેલ કરતા હોવાનું ખુલ્યું છે. હાલમાં આ આંતરરાષ્ટ્રીય ઠગાઈ નેટવર્કમાં સંડોવાયેલા અન્ય આરોપીને પકડવા સાયબર ક્રાઇમે જુદી જુદી ટીમો બનાવીને તપાસ શરૂ કરી છે. જેમાં હજુ એક માસ્ટર માઈન્ડ એન્ડ્રુ ફરાર છે જેથી તેની શોધખોળ કરવામાં આવી રહી છે.