September 19, 2024

સાયબર ફ્રોડ કેસમાં બેંક એકાઉન્ટ ફ્રિઝ થવાની કાર્યવાહીમાં મોટો ફેરફાર

મિહિર સોની, અમદાવાદઃ ટેક્નોલોજીના યુગમાં ગંભીર ગુનાઓ નિયંત્રિત ભલે થયા હોય પરંતુ સાયબર યુગમાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. જેને લઇ સાયબર જાગૃતિ માટે સાયબર સંવાદ નામે ખાસ કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું છે. આ સાથે જ સાયબર ફ્રોડમાં બેંક એકાઉન્ટ ફ્રિઝ થવાની કાર્યવાહીમાં ગુજરાત પોલીસે મોટા ફેરફાર કર્યા છે. જેમાં બેંક એકાઉન્ટ નહીં પણ ફ્રોડના પૈસા જ ફ્રીઝ થશે. જેથી બેંક એકાઉન્ટ આખું ફ્રીઝ નહીં થાય જેની જાણકારી પોલીસ કમિશનરે આપી હતી.

અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ દ્વારા પણ શાળા-કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓ તેમજ અલગ અલગ સોસાયટીઓમાં જઈને લોકોમાં સાયબર અવેરનેસ લાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવશે. ખાસ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સાથે સંવાદ કરી સાયબર જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ સાથે જ અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ દ્વારા એક રીલ બનાવવાની સ્પર્ધા પણ યોજવામાં આવી છે. જેમાં ભાગ લેનાર શહેરીજન સાયબર જાગૃતિ અંગેનો વીડિયો રીલ બનાવીને અપલોડ કરી શકશે. જેમાં સૌથી સારી રીલ બનાવનારને સાયબર ક્રાઇમ દ્વારા ઇનામ પણ આપવામાં આવશે. આગામી 14 દિવસ માટે સાયબર ક્રાઈમ દ્વારા આ કામગીરી કરવામાં આવશે.

મહત્વનું છે કે, અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા રાજ્યમાં સાયબર ક્રાઇમ સંદર્ભે બની રહેલા ગુનાઓ અને મોડેસ ઓપરેન્ડીની પણ જાણકારી આપવામાં આવી. હાલમાં ફાઇનાન્સિયલ ફ્રોડના કેસોમાં સાઇબર ક્રાઈમ દ્વારા એકાઉન્ટ ફ્રીઝિંગ સિસ્ટમ કાર્યરત છે. જેમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે અને હવે સાયબર ફ્રોડમાં જે બેન્ક એકાઉન્ટ ફ્રીઝ થતું હતું. હવે તે બેંક એકાઉન્ટ નહીં પણ બેંકમાં છેતરપિંડીના રહેલા એટલા પૈસા જ ફ્રીઝ થશે. જો કે, કોઈ સમસ્યા હોય તો ભો ગબનનારે ટોલ ફ્રી નંબર 1930 પર ફોન કરી ફરિયાદ આપી શકે છે તેમ જણાવ્યું.

ગુજરાતમાં ચાલુ વર્ષે 114.9 કરોડ રૂપિયાનું સાઇબર ફ્રોડ થયું છે. જેમાંથી સાયબર ક્રાઇમની મદદથી 46.2% લોકોના પૈસા રિફન્ડ કરવામાં આવ્યા છે અને હાલમાં જ ગુજરાતમાં 28 હજાર એકાઉન્ટ અનફ્રીઝ કરવામાં આવતા 53 કરોડ રિફન્ડ આપવામાં આવ્યા છે.