અમદાવાદના હાટકેશ્વર સ્મશાન ગૃહમાંથી દારૂનું ગોડાઉન ઝડપાયું
મિહિર સોની, અમદાવાદઃ સામાન્ય રીતે બુટલેગરો દારૂનો જથ્થો ઘરમાં કે કારમાં ચોરખાનું બનાવીને સંતાડતા હોય છે. પરંતુ અમદાવાદના એક સ્મશાન ગૃહમાંથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવ્યો છે. સ્મશાન ગૃહમાં સીએનજી ભઠ્ઠી નીચે આ દારૂનો જથ્થો રાખવામાં આવ્યો હતો. પોલીસે દારૂની હેરાફેરી કરનારી રાજકીય પાર્ટી સાથે જોડાયેલા કાર્યકરની પણ ધરપકડ કરી છે.
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા હાટકેશ્વર સ્મશાન ગૃહમાંથી દારૂનું ગોડાઉન મળી આવ્યું છે. સ્મશાન ગૃહમાં આવેલી અગ્નિદાહ આપવા માટેની સીએનજી ભઠ્ઠી નીચે આવેલા ભોયરામાં મોટી માત્રામાં દારૂનો જથ્થો રાખવામાં આવ્યો હતો. ખોખરા પોલીસને માહિતી મળતા સ્મશાન ગૃહમાં દરોડો પાડ્યો હતો અને ત્યાંથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. ખોખરા પોલીસે સ્મશાનમાં કર્મચારી તરીકે રહેતા અક્ષય વેગડ તેમજ રાજન વેગડની ધરપકડ કરી છે.
ખોખરા પોલીસે સ્મશાન ગૃહમાં રહેતા અક્ષય વેગડ અને એક કિશોરની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, અક્ષય વેગડ સ્મશાનમાં રહી સફાઈ કામદારની નોકરી કરે છે તેમજ ભારતીય જનતા પાર્ટીમાં ખોખરા વોર્ડનો અનુસૂચિત જાતિનો પ્રમુખ પણ છે. આરોપી અક્ષય વેગડ ભાજપમાં અનેક નેતાઓ સાથે સંપર્ક ધરાવે છે. જો કે, દારૂના જથ્થા સાથે પોલીસે અક્ષય વેગડની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, અક્ષય વેગડ વિરુદ્ધ અગાઉ ખોખરા પોલીસ મથકમાં અલગ અલગ બે ગુનાઓ પણ નોંધાઈ ચૂક્યા છે, ત્યારે હવે પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે અક્ષય વેગડ દ્વારા સ્મશાન ગૃહમાં રાખેલો દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો. તેમજ કોને કોને આપવાનો હતો. આ ઉપરાંત અક્ષય વેગડ દારૂના ગોડાઉન તરીકે સ્મશાન ગૃહનો ઉપયોગ કેટલા સમયથી કરી રહ્યો છે, જેવા અલગ અલગ મુદ્દાઓ પર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.