અમદાવાદની શાળાઓમાં ટ્રાફિક ડ્રાઈવનો ફિયાસ્કો, RTOની ટીમ ઉંધતી ઝડપાઇ
આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદ: આજે અમદાવાદની 3 સ્કૂલોમાં બાળકોની સલામતીને લઇને શાળામાં RTO, ફાયર વિભાગનુ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામા આવનાર હતુ. પરંતુ, RTOની ટીમ મોડી પહોંચતા સમગ્ર ડ્રાઈવ મોકુફ રાખવાની ફરજ પડી હતી. અમદાવાદમાં અનેક વિદ્યાર્થીઓ પાસે લાયસન્સ ન હોવા છતા પણ શાળામા વાહન લઇને આવતા હોય અન્યોના જીવ જોખમમાં મુકતા હોય છે. ત્યારે, અમદાવાદ RTO દ્વારા શહેરની 3 શાળાઓમાં ડ્રાઈવનું આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા, શાળાના આચાર્ય, DEOની ટીમ તો શાળા પહોંચી ચુકી હતી. પરંતુ, RTOના અધિકારીઓ મોડા આવતા સમગ્ર ડ્રાઈવનો ફિયાસ્કો થયો હતો.
રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં બનેલ ઘટના બાદ તંત્ર દ્વારા તમામ શાળાઓમાં ફાયર સેફટીને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતુ. શાળાઓને ફાયર સેફ્ટીને લઇને ટ્રેનિંગ પણ આપવામાં આવી હતી. ઉપરાત RTO દ્વારા સ્કુલ વેન, બસ અને પોતાનુ વાહન લઇને શાળામાં આવનાર વિદ્યાર્થીઓએ શું ધ્યાન રાખવુ જોઇએ તેણે લઈને રોડ સલામતીની ટ્રેનિગ પણ આપવામાં આવી હતી અને શાળા દ્વારા આનુ ચેકિંગ કરીને તેનો અહેવાલ પણ DEO કચેરીમાં રજુ કરવાનો આદેશ કરવામા આવ્યો હતો. ત્યારે આજ રોજ DEO દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવનાર હતુ. પરંતુ, RTOની ટીમ જ શાળા શરૂ થઇ ગયા બાદ આવતા સમગ્ર ચેકિંગની કાર્યવાહી પડતી મુકવાની ફરજ પડી હતી.
અમદાવાદના જીલ્લા શિક્ષણાધિકારીએ ન્યુઝ કેપીટલ સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને આજરોજ આંબાવાડી ખાતે આવેલી સી. એન. વિદ્યાલય, પરિમલ ક્રોસ રોડ પાસે આવેલ નિર્માણ સ્કુલ અને મણીનગરની દિવાન બલ્લુભાઇ સ્કુલમાં વાહન ચેકિંગ અને ફાયરનુ ચેકિંગ હાથ ધરવામાં આવનાર હતુ. પરંતુ, RTOની ટીમ એક કલાક મોડી આવતા સમગ્ર ડ્રાઈવ પડતી મુકવામા આવી હતી અને હવે આગામી એક સપ્તાહ પછી પુનઃ એક વાર આ ડ્રાઈવ યોજવામા આવશે.
તો બીજી તરફ, RTOના અધિકારીઓએ સુફિયાણી વાતો કરતા જણાવ્યું હતુ કે અમારી ટીમ અન્ય સ્થળે વ્હાઇટ નંબર પ્લેટની સ્કુલવેન પકડાઇ તેની કામગીરીમાં વ્યસ્ત હતા. જેથી, સ્કુલમાં સમયસર આવી શક્યા ન હતા. ત્યારે, પ્રશ્ન એ થાય કે એક સાથે 3 સ્કુલોમાં ડ્રાઈવ કરવાની હોય ત્યારે બે જ અધિકારીઓ દ્વારા કેવી રીતે કોઇ ડ્રાઈવ શક્ય બની શકે. RTO પાસે મસમોટી ટીમ હોવા છતા કેમ બે જ અધિકારીઓને શાળામા મોકલ્યા અને તે પણ એક ક્લાક મોડા. શું RTO ફક્ત ફોટા પડાવવા માટે જ કામગીરી કરે છે?