જેલ ભજિયા હાઉસને અપાશે હેરિટેજ લૂક, જુઓ કેવું બનશે બિલ્ડિંગ

નવા જેલ હાઉસને આવો લૂક આપવામાં આવશે.
અમદાવાદઃ શહેરના સુભાષ બ્રિજ પાસે આવેલા જેલ ભજિયા હાઉસને નવો લૂક આપવામાં આવશે. હાલ જે ભજિયા હાઉસની જગ્યાએ ત્રણ માળનું ભજિયા હાઉસ બનાવવામાં આવશે. હેરિટેજ લૂકવાળી નવી બિલ્ડિંગમાં સ્વતંત્રતા સેનાનીઓએ જે સમય વિતાવ્યો હતો તેની ઝાંખી પણ તૈયાર કરવામાં આવશે. 2.40 કરોડના ખર્ચે બનનારા નવા ભજિયા હાઉસમાં ગાંધી થાળી પીરસવામાં આવશે. ગ્રાઉન્ડ ફ્લોર પર ભજિયા જ વેચવામાં આવશે.
સાબરમતી સેન્ટ્રલ જેલના કેદીઓ દ્વારા બનાવવામાં આવતા ભજિયા અમદાવાદીઓને ખૂબ જ ભાવે છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ભજિયા હાઉસના કેદીઓ દ્વારા બનાવવામાં આવેલા ભજિયાનું ટર્નઓવર 86 લાખ રૂપિયા થયું હતું. તેના પરથી અંદાજો લગાવી શકાય છે કે, અમદાવાદીઓને આ ભજિયાનો સ્વાદ દાઢે વળગ્યો છે. હવે આ જૂની બિલ્ડિંગ ધરાશાયી કરીને ત્યાં નવું ત્રણ માળનું હેરિટેજ બિલ્ડિંગ બનાવવામાં આવશે. ભજિયા હાઉસમાં ગ્રાઉન્ડ ફ્લોર પર સેલ રૂમ હશે અને કેદીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી ભજિયાનું વેચાણ કરવામાં આવશે.

પહેલા માળે ગાંધી થાળી પીરસવામાં આવશે. આ થાળી પણ જેલના કેદીઓ દ્વારા બનાવવામાં આવશે. તેમાં સ્પેશિયલ ગાંધી થાળીના નામથી ભોજન પીરસવામાં આવશે. આ થાળી આકર્ષણનું કેન્દ્ર રહેશે. બીજા માળે મ્યુઝિયમ બનાવવામાં આવશે. આઝાદીના આંદોલનમાં સાબરમતી જેલમાં રહેલા મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, કસ્તૂરબા ગાંધી, મહાદેવભાઈ દેસાઈ, ઝવેરચંદ મેઘાણી, લોકમાન્ય ટિળક જેવા સ્વતંત્રતા સેનાનીઓની ઝાંખી બતાવતુ મ્યુઝિયમ તૈયાર થશે. આ સાથે જ નવી બનનારી હેરિટેજ બિલ્ડિંગમાં જેલર-કેદીઓ તથા જેલના અંદરના માહોલની થીમ રાખવામાં આવશે.