સાણંદમાં બનશે વિશ્વનું પહેલું સિંહ આકારનું મંદિર, 51 શક્તિપીઠમાંથી જ્યોત લાવવામાં આવશે
સાણંદઃ વિશ્વનું સૌથી પહેલું સિંહ આકારનું મા દુર્ગાનું મંદિર સાણંદ પાસે આવેલા વનાળિયા ગામે તૈયાર થવા જઈ રહ્યું છે. જેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.
15 વીઘા જમીન અંદાજીત 25 કરોડના ખર્ચે આગામી બે વર્ષમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે. જેમાં મંદિર પ્રવેશ કરતા પહેલા 221 ફૂટ લાંબા અને 50 ફૂટ પહોળા ત્રિશૂળ નીચેથી પસાર થવું પડશે. આ સાથે જ મંદિરમાં એકસાથે 300 લોકો બેસીને દર્શન કરી શકે તેવી વ્યવસ્થા પણ ઊભી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગર્ભગૃહ બે માળનું તૈયાર કરવામાં આવશે. જેમાં પ્રથમ માળ પર 51 શક્તિપીઠના દર્શન કરી શકાશે. જે 51 શક્તિપીઠની જ્યોત લાવીને અહીંયા સ્થાપના પણ કરવામાં આવશે.
દુર્ગા મંદિરમાં ભારતીય સંસ્કૃતિ જાળવી રાખવા માટે નિત્યક્રમ શિબિરનું પણ આયોજન કરવામાં આવશે. જેમાં મંદિરમાં નિઃશુલ્ક મેડિટેશન તેમજ 24 કલાક મંદિર દર્શન કરવા આવનાર ભક્તો માટે ભોજન પ્રસાદ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે. આ મંદિરના પટાંગણમાં સત્સંગ હોલ, યજ્ઞશાળા, રહેવા માટે રૂમ, ભોજનાલય સહિતની તમામ સુવિધા ઊભી કરવામાં આવશે. આ તમામ મંદિર તૈયાર થનારા 221 ફૂટ ત્રિશૂળ નીચે તૈયાર કરવામાં આવશે.