અમદાવાદ SOGની મોટી કાર્યવાહી, લાખોના ડ્રગ્સ સાથે 6 આરોપીની ધરપકડ
આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદઃ શહેરના નારણપુરા જૈન દેરાસર નજીક એટલાન્ટા સોસાયટીમાં રહેતા જીગ્નેશ પંડ્યા નામના વ્યક્તિના ઘરેથી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. જીજ્ઞેશ પંડ્યા નામના વ્યક્તિના ઘરમાં એસઓજીની ટીમે દરોડા પાડી 256.860 ગ્રામ ડ્રગ્સ જપ્ત કર્યું છે. જેની અંદાજિત કિંમત 25.65 લાખ છે. આ મામલે કુલ 7 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, તેમાંથી 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જીગ્નેશ પંડ્યા સાથે મોહમ્મદ પઠાણ, મુસ્તકિમ શેખ, અબરાર ખાન પઠાણ, મોહંમદ એજાજ શેખ, ધ્રુવ ભરત પટેલની ધરપકડ એસઓજી દ્વારા કરવામા આવી છે.
એસઓજીને બાતમી મળી હતી કે, મોહમ્મદ પઠાણ રાજસ્થાનના પ્રતાપગઢથી ડ્ર્ગ્સ લાવે છે અને અહીં પેડલરોને તેની વહેંચણી કરે છે. જેને લઇને એસઓજી દ્વારા નારણપુરામાં આવેલી એલિફન્ટા સોસાયટીમાં રેડ કરી હતી. આ રેડ દરમિયાન એસઓજી પોલીસે મુખ્ય આરોપી મોહમ્મદ પઠાણ, જીગ્નેશ પંડ્યા, ડ્રગ્સ લાવનારા ઉપરાંત ડ્રગ્સ લેવા માટે આવનારા 3 આરોપીની પણ ધરપકડ કરી લીધી છે.
તપાસ દરમિયાન સૌથી મોટી હકીકતની સામે આવી કે, જીગ્નેશ પંડ્યા ઘરે ડ્રગ્સ પાર્ટીનું આયોજન કરતો હતો અને તે પાર્ટી આયોજન માટે એક હજાર રૂપિયા જેટલું કમિશન પણ મેળવતો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, ડ્રગ્સનો જથ્થો રાજસ્થાનથી લાવવામાં આવ્યો હતો. જેના ઘરેથી ડ્રગ્સ પકડાયો તે જીગ્નેશ પંડ્યા પોતાના ઘરે જ ડ્રગ્સ પાર્ટી યોજતો, જેમાં તેના મિત્રોને બોલાવતો હતો. એક પાર્ટી માટે રૂપિયા 1000 પ્રતિ વ્યક્તિ વસૂલતો હતો, અગાઉ બે વાર આ પ્રકારે ડ્રગ્સ પાર્ટી યોજી ચૂક્યો છે.
આ ઉપરાંત મહત્વની જાણકારી એ પણ સામે આવી છે કે, જીગ્નેશ અપરિણીત છે અને ઘરે એકલો જ રહેતો હતો. જીગ્નેશને છેલ્લા 40 વર્ષથી ગાંજાનું વ્યસન છે છેલ્લા બે વર્ષથી ડ્રગ્સનો વ્યસની બન્યો હતો. મહમ્મદ પઠાણ નામનો આરોપી રાજસ્થાનથી ડ્રગ્સ લાવ્યો હતો. અગાઉ પણ મોહમ્મદ બેવાર અમદાવાદમાં ડ્રગ્સની ડિલિવરી કરી ચૂક્યો છે. આ કેસ સાથે અમદાવાદ SOGએ ત્રણ વર્ષમાં 100 જેટલા NDPSના કેસ પૂર્ણ કર્યા છે.