અયોધ્યા જતી તમામ રોડવેઝની બસો રોકી દેવાઈ, ભારે ભીડને લઈને UP રોડવેઝના MDએ લીધો નિર્ણય
અયોધ્યા રામ મંદિરમાં ભારે ભીડને જોતા અયોધ્યા જતી યુપી રોડવેઝની તમામ બસોને રોકી દેવામાં આવી છે. ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના ઓપરેશન જનરલ મેનેજર મનોજ પુંડિરે જણાવ્યું છે કે, અયોધ્યા જતા તમામ રૂટ પર બસોનું સંચાલન બંધ કરી દેવામાં આવ્યું છે. જ્યારે ભીડ ઓછી થશે ત્યારે તેની સમીક્ષા કરવામાં આવશે.
અયોધ્યામાં મંદિર તરફ જતા તમામ રસ્તાઓ ચારથી પાંચ કિલોમીટર અગાઉથી બંધ કરી દેવામાં આવ્યા છે. માત્ર રાહદારીઓને જ લાઇનમાંથી ચાલવાની છૂટ આપવામાં આવી છે. પ્રશાસને ભારે ભીડને જોતા આ નિર્ણય લીધો છે. સવારથી જ મંદિરની બહાર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જેના કારણે વહીવટીતંત્ર સામે અરાજકતાનો માહોલ સર્જાયો હતો. ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના જનરલ મેનેજર ઓપરેશન મનોજ પુંડિરે જણાવ્યું હતું કે, અયોધ્યા જતા તમામ રૂટ પર બસોનું સંચાલન બંધ કરી દેવામાં આવ્યું છે.અયોધ્યામાં સેવાઓને બે કલાક માટે નિયંત્રિત કરવા સૂચના
લખનૌ જિલ્લા મેજિસ્ટ્રેટે નિર્દેશ આપ્યો છે કે, અત્યારે કોઈ પણ પ્રવાસીને અયોધ્યા ન મોકલવામાં આવે. વધતી ભીડને નિયંત્રિત કરવામાં સમસ્યા છે. તેના બદલે લોકોને અહીંથી બીજે ક્યાંક મોકલવાની વ્યવસ્થા કરવી જોઈએ. કૃપા કરીને અયોધ્યા સેવાઓ બે કલાક માટે સ્થગિત રાખો. અયોધ્યાથી આગળ યાત્રીઓ માટે કોઈ પ્રતિબંધ નથી. તમામ વિસ્તારમાં આનું પાલન થાય તેની ખાતરી કરો. બારાબંકીના જિલ્લા મેજિસ્ટ્રેટે નિર્દેશ આપ્યો છે કે, પરિવહન નિગમની કોઈપણ બસ અત્યારે અયોધ્યા જઈ શકશે નહીં કારણ કે અયોધ્યામાં વધતી ભીડને નિયંત્રિત કરવામાં સમસ્યા થઈ રહી છે. લખનૌથી ગોરખપુર રૂટ પર જતી બસો રામનગર-ગોંડા થઈને ચલાવવા નિર્દેશ અપાયો છે.
આ પણ વાંચો : Republic Day : કર્તવ્ય પથ પરથી રાફેલ ઉડાન ભરશે, ત્રણેય સેનાની મહિલા ટુકડીઓ સામેલ થશે
આઠ હજારથી વધુ સુરક્ષા જવાનો તૈનાત
યુપીના માહિતી વિભાગના જણાવ્યા અનુસાર, આજે અઢીથી ત્રણ લાખ ભક્તોએ શ્રી રામ મંદિરની મુલાકાત લીધી છે અને એટલી જ સંખ્યામાં શ્રદ્ધાળુઓ હજુ દર્શન કરવા માટે ઊભા છે. તમામ વ્યવસ્થા હાલ નિયંત્રણ હેઠળ છે. સુરક્ષા માટે આઠ હજારથી વધુ સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. અગાઉ, એડીજી અયોધ્યા રેન્જ પિયુષ મોરડિયાએ કહ્યું હતું કે, વધતી ભીડ એ લોકોની ભક્તિ છે અને અમે ઈચ્છીએ છીએ કે તમામ ભક્તોને દર્શન કરવા મળે. દર્શન બંધ થયા નથી, સૌને સુવિધા અપાશે. વધુમાં તેમણે કહ્યું કે, આ વહીવટની નિષ્ફળતા નથી.