November 24, 2024

મોડાસાની લેબોરેટરીએ આપ્યા ‘કેન્સર’ થયાના રિપોર્ટ, અમદાવાદમાં ફરી રિપોર્ટ કરાવતા ભાંડો ફૂટ્યો

સંકેત પટેલ, અરવલ્લી: મોડાસાની ખાનગી લેબમાં 13 વર્ષના કિશોરનો ટ્યૂમર રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જ્યારે અમદાવાદમાં આ રિપોર્ટ નોર્મલ આવતાં કિશોર પિતાએ મોડાસાની લેબના માલિક સામે કાર્યવાહી કરવા જિલ્લા આરોગ્ય અધિકારીને લેખિતમાં રજૂઆત કરી હતી.

મોડાસાની મેઘરજ રોડ પર આવેલી દ્વારકાપુરી સોસાયટીમાં રહેતા રમણભાઈ કલાલ જેમનો પુત્ર દિવ્ય કલાલ ધો.7માં અભ્યાસ કરે છે અને છેલ્લા એક વર્ષથી ટ્યુમરની તકલીફ થતાં સારવાર ચાલી રહી છે. કિશોરના પરિવારે કેન્સરની સારવાર માટે અમદાવાદથી મોડાસાની એક ખાનગી હોસ્પિટલમાં આવતાં કેન્સરના સ્પેશિયાલિસ્ટ તબીબને તા.26 જૂને મોડાસા બતાવવામા આવ્યું અને અમદાવાદના તબીબે કિશોરના પિતાને રિપોર્ટ કરાવવાનું કહેતાં પરિવારે મોડાસાની ખાનગી લેબોરેટરીમાં વિદ્યાર્થીના બ્લડ સેમ્પલ આપીને રિપોર્ટ કઢાવ્યા હતા. આ રિપોર્ટમાં LDH seruin & result 411.5નો રિપોર્ટ આવતાં પરિવાર ચિંતામાં મૂકાયો હતો.

મોડાસાની લેબોરેટરીનો રિપોર્ટ જોઈને અમદાવાદના તબીબે દર્દીને અમદાવાદ લઈ આવવાનું કહ્યું હતું. પરિવાર અમદાવાદ ખાનગી હોસ્પિટલ પહોંચ્યો હતો. જ્યાં તબીબે દર્દીને લેબોરેટરી રિપોર્ટને કરાવવાનું કહેતાં તબીબની સલાહથી અમદાવાદ કિશોરના ફરીથી બ્લડ સેમ્પલ આપીને રિપોર્ટ કઢાવતાં રિપોર્ટમાં LDH seruin 167.00 આવતાં પરિવારે આ રિપોર્ટ તબીબીને બતાવતાં રિપોર્ટ નોર્મલ આવ્યો હતો. ત્યારે આ મામલે પરિવારજનોએ મોડાસાના લેબોરેટરી માલિક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય તે માટે અરવલ્લી જિલ્લા આરોગ્ય અધિકારીને લેખિત રજૂઆત કરી છે.

આ મમલે અરવલ્લી જિલ્લા આરોગ્ય અધિકારીને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે આવી હોસ્પિટલની લેબની ઘટના એમના ધ્યાને આવી છે આ મામલે મોડાસા તાલુકા આરોગ્ય અધિકારીને તપાસ સોંપવામાં આવી છે અને તાલુકા અધિકારી પાંચ દિવસમાં રિપોર્ટ સોંપાશે. ત્યારબાદ, લેબ માલિક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.