July 2, 2024

રાજ્યમાં ગાજવીજ સાથે પડશે વરસાદ, Ambalal Patel કરી આગાહી

ગાંધીનગર: કાળઝાળ ગરમીથી છેલ્લા કેટલાક દિવસથી લોકો હેરાન પરેશાન થઇ ગયા હતા. ત્યારે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઇને આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે આવતીકાલથી રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આંધી વંટોળ સાથે વરસાદની આગાહી કરી છે.

મળતી માહિતી અનુસાર પ્રિ મોન્સુન એકટીવિટીના ભાગરૂપે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે. આગાહી કરતા અંબાલાલે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આંધી વંટોળ સાથે વરસાદ પડી શકે છે. 10 જૂનથી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે . જે બાદ 12 જૂનથી મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. તો 17 જૂન આસપાસ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં વોલ માર્ક લો પ્રેશર બનશે.

આ પણ વાંચો: કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં વરસાદનું આગમન, અરવલ્લી જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ

વધુમાં તેમણે જણાવ્યું છે કે, એકસાથે બે સિસ્ટમ સક્રિય થતાં પૂર આવે તેવો વરસાદ પણ પડી શકે છે. આ સિવાય અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી કરી છે. તેમજ સપ્ટેમ્બર મહિનામાં લા નીનોની અસર શરૂ થશે. ઉલ્લેખનીય છે કે, ગત રાતે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 14 તાલુકામાં વરસાદનું આગમન થયું હતું. સૌથી વધારે છોટાઉદેપુરના કંવાટમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો હતો. તો નવસારીના ચીખલીમાં 1 ઇંચ વરસાદ, અરવલ્લીના મોડાસામાં અડધો ઇંચ વરસાદ અને સાબરકાંઠાના હિંમતનગરમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો.