ભાજપે ચા વેચનારાને વડાપ્રધાન, પડદાં-પોસ્ટર લગાવનારાને ગૃહમંત્રી બનાવ્યાઃ અમિત શાહ
અમદાવાદઃ લોકસભા ચૂંટણીને આડે હવે ગણતરીના મહિનાઓ બાકી છે. ત્યારે દરેક પાર્ટી ચૂંટણીમાં જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં આવ્યા છે.
અમદાવાદમાંથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા છે. અમદાવાદના મેમનગર વિસ્તારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જનસભાને સંબોધન કર્યું છે. જયશ્રી રામના નારા સાથે સંબોધન શરૂ કર્યું હતું.
અમિત શાહે જણાવ્યુ હતુ કે, ‘મારા તમામ કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર. ચા વેચનાર વ્યક્તિ ભાજપમાં વડાપ્રધાન પણ બની શકે છે. ભાજપે પડદા અને પોસ્ટર લગાવનારને દેશના ગૃહમંત્રી બનાવ્યા છે.’
તેઓ આગળ જણાવે છે કે, ‘ગરીબોના જીવનમાં ઉજાસ પાથરવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું છે. પીએમ મોદીએ 60 કરોડથી વધુ ગરીબોના ઘરમાં ઉજાસ પાથરવાનું કામ કર્યુ છે. નરેન્દ્ર મોદી આજે દેશના નહીં પણ વિશ્વના લોકપ્રિય નેતા બની ગયા છે.’
જમ્મુ-કશ્મીરનો ઉલ્લેખ કરતા અમિત શાહ કહે છે કે, ‘આઝાદી પછી દેશને સુરક્ષિત કરવાનું કામ કર્યુ હોય તો એ પીએમ મોદી છે. લોકો કહેતા કે જમ્મુ-કશ્મીરમાંથી કલમ 370 કેમ હટે એ અમે હટાવી દીધી. ચીને ઘુસપેઠનો પ્રયાસ કર્યો ત્યારે દુનિયા જોતી હતી કે હવે શું થશે. પીએમ મોદીએ ચીનની આંખમાં આંખ નાખીને કહ્યું કે, આ ભારત છે, નો એન્ટ્રી અને ચીને પાછળ હટવુ પડ્યું હતું.’
તેઓ આગળ જણાવે છે કે, ‘સર્જિકલ અને એરસ્ટ્રાઈક કરીને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. અગાઉની સરકારમાં કોઈ પગલાં લેવાતા ન હતા. 15 ઓગસ્ટ 2047માં દેશને વિશ્વમાં નંબર વન બનાવાનો સંકલ્પ લીધો છે.’
લોકસભા ચૂંટણીમાં જીત મેળવવાના આત્મવિશ્વાસ સાથે કહ્યુ હતુ કે, ‘ડંકાની ચોટ પર ચૂંટણી જીતીશું, પણ વિનમ્રતા સાથે જીતીશું. 10 વર્ષમાં મોદીએ દેશને સમૃદ્ધ બનાવવાનું કામ કર્યું છે. ભાજપ નહીં પણ ભારતનો પ્રચાર થાય તેવી કામગીરી કરો.’
તેઓ કહે છે કે, ‘આજે હું હનુમાનજી મંદિરના દર્શન કરવા આવ્યો હતો. ત્યારે હર્ષદભાઈ અને મયંકભાઈએ તમને મળવાનો કાર્યક્રમ પણ ગોઠવી નાંખ્યો.’ આ ઉપરાંત સીએમ ભૂપેન્દ્ર પટેલે અમિત શાહને પાઘડી પહેરાવી હતી.