July 4, 2024

અમરેલીમાં ઇલેક્ટ્રિક મોટરની ચોરીનો ભેદ ઉકેલાયો, હજારોના મુદ્દામાલ સાથે 3ની ધરપકડ

અમરેલીઃ તાલુકા પોલીસ સ્ટેશન તથા લીલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી શેત્રુંજી નદી તથા ઠેબી નદીઓના કાંઠે થયેલી ઇલેકટ્રીક મોટરોની ચોરીનો ભેદ ઉકેલી આરોપીઓને ચોરીમાં ગયેલા મુદ્દામાલ સાથે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી હતી. આ ઉપરાંત ચોરી થયેલા વાયર, મીટરના ભંગાર તેમજ વાહન સહિત કુલ 78 હજારના મુદ્દામાલ સાથે ત્રણ વ્યક્તિને ઝડપી પાડ્યા હતા.

મળતી માહિતી પ્રમાણે, અમરેલીના શેત્રુંજી અને ઠેબી નદી કાંઠે આવેલી ખેડૂતોની વાડીઓના કુવાઓ પિયત માટે ઇલેક્ટ્રિક મોટરો લગાવેલી હોય છે. ત્યારે આ તસ્કર ટોળકી દ્વારા મોડી રાતે વાડીએ કોઈ હાજર ના હોય તે દરમિયાન ઇલેક્ટ્રિક મોટર ચોરી કરતા હતા. જેની અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં બે અને લીલીયા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાતા તાત્કાલિક અમરેલી પોલીસ હરકતમાં આવી હતી.

આ પણ વાંચોઃ નર્મદા કિનારે વસતું આ ગામ પાણીથી તરસ્યું! તંત્રના આંખ આડા કાન

અમરેલી એસપી હીમકરસિંહની સૂચના અને ડીવાયએસપી ચિરાગ દેસાઈના માર્ગદર્શન હેઠળ અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ આરજી ચૌહાણની સૂચના અનુસાર અમરેલી રૂરલ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન કોન્સ્ટેબલ લાલજીભાઇ દિપસંગ રાઠોડ તથા પોલીસ કોન્સ્ટેબલ કોન્સ્ટેબલ હાર્દિકભાઇ ઓઘડ ડવની સંયુક્ત બાતમીને આધારે સાવરકુંડલા રોડ લીલાનગર પાણીના ટાંકા પાસેથી ધીરૂભાઇ સોલંકી, રાજેશ ઉર્ફે રાજયો ધિરૂભાઈ માથાસુરીયા, મેહુલ ઉર્ફે ઉંદરડી પ્રકાશભાઈ સોલંકીને એક રિક્ષા, બાઇક અને ઇલેક્ટ્રિક મીટરના ભંગાર મળી કુલ રૂપિયા 78 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ગૌતમ ઉર્ફે ગડ્ડો પ્રકાશભાઇ સોલંકી નામના એક આરોપીને પકડવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.