June 30, 2024

સાવરકુંડલામાં ડિમોલિશન ડ્રાઇવ, કેબિન-ઓટલા સહિતનાં દબાણો દૂર કર્યા

દશરથસિંહ રાઠોડ, અમરેલીઃ જિલ્લામાં સાવરકુંડલા શહેરમાં પાલિકા અને વહીવટી તંત્ર દ્વારા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઝૂંબેશમાં દુકાનો, કેબિનોમાં આગળ ઓટલા, છાપરાઓનાં દબાણો વહીવટી તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. ત્યારે પોલીસ તંત્રના સાવરકુંડલા ASP, અમરેલી LCB, SOG સહિતનો પોલીસ કાફલો ડિમોલિશન દરમિયાન ઉપસ્થિત રહી ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.

સાવરકુંડલા શહેર વિસ્તારમાં માર્ગ અને મકાન વિભાગ વિભાગ (રાજ્ય) તથા માર્ગ અને મકાન વિભાગ પંચાયત તથા નગરપાલિકા દ્વારા શહેરના રસ્તાઓમાં ટ્રાફિકને નડતરરૂપ ગેરકાયદેસર ઓટલા, છાપરા, કેબિનો, કાયમી રેકડીઓનું દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

સાવરકુંડલા પાલિકા તંત્ર દ્વારા લોકોએ દુકાન બહાર ઓટલા, છાપરાં કાઢ્યાં હોય તેમને અગાઉ સૂચના આપવામાં આવી હતી અને મોટાભાગના લોકોએ સ્વૈચ્છાએ જ કરેલા દબાણ દૂર કર્યા હતા. જે લોકોએ આવા દબાણો દૂર કર્યા નહોતા તેમના દબાણ તંત્ર દ્વારા બુલડોઝરથી દૂર કરવામાં આવ્યા હતા. આ ડિમોલિશનમાં માર્ગ અને મકાન વિભાગ, નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ સ્ટાફ દ્વારા ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી.

પોલીસ તંત્ર દ્વારા પણ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેમાં એએસપી વલય વૈદ્યના માર્ગદર્શન હેઠળ બે પીઆઇ, 6 પીએસઆઇ, 75 પોલીસકર્મીઓ, 20 હોમગાર્ડ તેમજ એસઓજી અને એલસીબીની ટીમો સહિતનો પોલીસ કાફલો ઉપસ્થિત રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પણ સાવરકુંડલા શહેરમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારબાદ બીજા વર્ષે પણ પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું હતું.