November 25, 2024

RG Kar Medical Collegeમાંથી લાવારિસ બેગ મળી, બોમ્બ હોવાની આશંકા

Kolkata News: કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એક શંકાસ્પદ લાવારિસ બેગ મળી આવી છે. બેગ મળતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. આ બેગ વિરોધ પ્રદર્શન માટે બનાવેલા વિરોધ મંચ પાસે મળી આવી હતી. માહિતી મળ્યા બાદ બોમ્બ સ્ક્વોડને બોલાવવામાં આવી છે.

હાલ બોમ્બ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચી સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. બીજી બાજુ, શંકાસ્પદ બેગને કારણે અહીં સુરક્ષાને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે. નોંધનીય છે કે, જુનિયર ડોક્ટર સાથે રેપ-હત્યાની ઘટના બાદ કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ સતત ચર્ચામાં છે. બીજી બાજુ, EDની ટીમ આરજી કર મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ વિરુદ્ધ નાણાકીય ગેરરીતિઓની તપાસ કરી રહી છે.

CBIએ પૂર્વ પ્રિન્સિપાલ ડો.સંદીપ ઘોષની પણ પૂછપરછ કરી
CBIની ટીમે પૂર્વ પ્રિન્સિપાલ ડૉ. સંદીપ ઘોષના ઘરે જઈને RG કર હોસ્પિટલમાં કથિત નાણાકીય ગેરરીતિઓ અંગે પૂછપરછ કરી છે. આ સાથે સીબીઆઇની એન્ટી-કરપ્શન બ્યુરોએ તેના વધુ ચાર સ્થળો પર પણ દરોડા પાડ્યા હતા. તેમાં આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ફોરેન્સિક મેડિસિન અને ટોક્સિકોલોજીના નિદર્શન કરનાર ડૉ. દેવાશિષ સોમનું ઘર પણ હતું. હવે ED આ મામલે તપાસ કરી રહી છે.

9 ઓગસ્ટના રોજ સેમિનાર હોલમાંથી મહિલા ડોક્ટરની લાશ મળી આવી હતી
ઉલ્લેખનીય છે કે, 9 ઓગસ્ટના રોજ આરજી કર મેડિકલ હોસ્પિટલના સેમિનાર હોલમાં એક જુનિયર ડોક્ટરનો મૃતદેહ મળ્યો હતો. જુનિયર ડોક્ટરના શરીરમાંથી કપડાં ગાયબ હતા અને લોહી વહી રહ્યું હતું. શરીર પર ઈજાના નિશાન પણ હતા. આ કેસમાં પોલીસે આરોપી સંજય રોયની ધરપકડ કરી હતી. બીજી બાજુ, આ ઘટના બાદ જુનિયર ડોક્ટરો હડતાળ પર ઉતરી ગયા હતા. તેઓ લગભગ એક મહિનાથી હડતાળ પર છે. તેઓ સરકાર પાસે વહેલી તકે ન્યાયની માંગ કરી રહ્યા છે.