તારાપુરના ટોલ ગામે કેનાલ ઓવરફ્લો, 200 વીઘામાં પાક પર પાણી ફરી વળ્યું!
આણંદઃ શહેરના તારાપુર તાલુકાના ટોલ ગામે કેનાલ ઓવરફ્લો થતા ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે. ખેતરોમાં પાણી ઘૂસી જવાને કારણે ખેડૂતોના તૈયાર પાક પાણીમાં ડૂબી ગયા છે.
ટોલ ગામની દેવા તળાવ સીમ વિસ્તારમાં આ ઘટના બની છે. જ્યાં કેનાલના પાણી ખેતરોમાં ફરી વળ્યા હોવાથી અહીંની 200 વીઘા જમીનમાં તૈયાર થયેલો ટામેટાનો પાક બગડવાને આરે પહોંચી ગયો છે. આ સાથે જ નવા વાવેલ મગ તથા મઠિયાના પાક પર પણ પાણી ફરી વળ્યા છે. ખેડૂતોએ વાવેલા મોંઘા બિયારણો ફેઇલ થતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે.
આ પણ વાંચોઃ ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ રદ કરવા અડગ; જાણો A to Z માહિતી
ખેડૂતોનું કહેવું છે કે, આ ઘટના પહેલીવાર નથી બની. અગાઉ પણ અહીં કેટલીયવાર કેનાલ ઓવરફ્લો થઈ છે અને ખેડૂતોને નુકશાની વેઠવી પડી છે. આ મામલે વારંવાર રજૂઆત કરવા છતાંય પાણી છોડવામાં કાળજી ન રાખતા સિંચાઇ વિભાગની બેદરકારીના કારણે ખેડૂતોને મસમોટું નુકશાન થયું છે.
ઉનાળામાં કાયમ કનેવાલ તળાવ ભરવા માટે કેનાલને આવી જ રીતે બેદરકારીથી ખુલ્લી છોડી દેવામાં આવે છે. જેમાં પાણીનો વેડફાટ તો થાય જ છે સાથે સાથે ખેડૂતોનો મહામૂલો પાક પણ બરબાદ થાય છે. સિંચાઇ વિભાગની ઘોર બેદરકારીથી થયેલા પાક નુકસાનથી ખેડૂતો હવે વળતરની માગ કરી રહ્યા છે.