દાહોદમાં કુપોષણ ડામવા આંગણવાડી કાર્યકરોએ કમર કસી
દાહોદ: સરકાર દ્વારા કુપોષણ ડામવા માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. જુદી જુદી યોજનાઓ દ્વારા બાળકો, સગર્ભા મહિલાઓ પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. દાહોદ જિલ્લામાં કુપોષણને ડામવા માટે સરકાર દ્વારા દાહોદ જિલ્લા પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
રાજયભરમાં કુપોષિત બાળકોની સંખ્યા દાહોદ જિલ્લો પ્રથમ ક્રમાંકે છે. જેથી કુપોષણને નેસ્તનાબૂદ કરવા માટે દાહોદ જિલ્લા પર ખાસ ભાર આપી ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જેમાં જિલ્લાને કુપોષણ મુક્ત બનાવવા માટે સરકારે કમર કસી છે. અત્યારે દરેક આંગણવાડી કેન્દ્રો ઉપર બાળકો તેમજ સગર્ભા અને ધાત્રી માતાઓની ખાસ નોંધ લેવાય છે. સગર્ભા અને ધાત્રી માતાઓ સહિત આંગણવાડીમાં આવતા બાળકોને સંપૂર્ણ પોષણયુક્ત આહાર આપવામાં આવે છે. પોષણ મળી રહે તેવા, મેન્યુ પ્રમાણે બાળકો ને દરરોજ પોષણયુક્ત આહાર આપવામાં આવી રહ્યુ છે.
પોષણ યુક્ત આહારમાં રોટલી, લીલા શાકભાજી, ખીચડી, પરોઠા, ચણા, દાળ ભાત વગેરે પોષણયુક્ત આહાર આપવામાં આવી રહ્યો છે. પોષણયુક્ત આહાર આપવાથી કુપોષિત બાળકોની સંખ્યામાં ધીમે ધીમે ઘટાડો પણ જોવા મળી રહ્યો છે. સર્ગભા માતાનુ પણ ખૂબ જ ધ્યાન આપવામાં આવી રહ્યું છે જેથી ગર્ભમાં જ બાળકોને યોગ્ય પોષણ મળી રહે.