June 28, 2024

50 વર્ષનો આધેડ નકલી પાસપોર્ટ પર America ગયો, Bharat આવતા જ પકડાઇ ગયો

મિહિર સોની, અમદાવાદ: અમદાવાદમાં નકલી પાસપોર્ટ પર વિદેશ જનાર વધુ એક વ્યક્તિની ધરપકડ કરાઈ છે. 81 વર્ષનો વૃદ્ધ બનીને આધેડ રૂ. 50 લાખમાં અમેરિકા પહોંચ્યો હતો. પરંતુ કિડનીની સારવાર દરમ્યાન ભારત પરત ફરતા કબુતરબાજીનો ભાંડો ફૂટ્યો છે. SOGએ કબૂતરબાજીના નેટવર્કની તપાસ શરૂ કરી હતી.

અમદાવાદમાં કબૂતરબાજીના નેટવર્કનો ફરી પર્દાફાશ થયો છે. ગેરકાયદેસર અમેરિકા ગયેલા એક આધેડની SOGએ ધરપકડ કરી છે. પોલીસ કસ્ટડીમાં જોવા મળતા જીતેન્દ્ર પટેલ ગેરકાયદેસર નકલી પાસપોર્ટ સાથે અમેરિકા પહોંચ્યા હતા. 50 વર્ષના આધેડ જીતેન્દ્ર પટેલ 81 વર્ષના વૃદ્ધ સુંદરલાલ નામથી નકલી પાસપોર્ટ પર અમેરિકા ગયા હતા. પરંતુ કિડનીની સારવાર માટે 17 મે નારોજ અમદાવાદ એરપોર્ટ પર અમેરિકાથી પરત ફરતા ઇમિગ્રેશન અધિકારીને પાસપોર્ટ પર શંકા જતા જીતેન્દ્ર પટેલનો ભાંડો ફૂટી ગયો હતો. SOG ક્રાઇમે નકલી પાસપોર્ટના કેસમાં જીતેન્દ્ર પટેલની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે.

આ પણ વાંચો: દક્ષિણ આફ્રિકાના વૈજ્ઞાનિકે કચરાના પહાડમાંથી અબજો રૂપિયાનું ‘અદૃશ્ય’ સોનું શોધી કાઢ્યું

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, જીતેન્દ્ર પટેલ અમદાવાદના રાણીપ વિસ્તારના રહેવાસી છે. આરોપી ડુપ્લીકેટ પાસપોર્ટ બનાવી અમેરિકા પહોંચ્યા હતા. જીતેન્દ્ર પટેલે કલોલના નરેશ પટેલ નામના એજન્ટ પાસેથી 50 લાખમાં નકલી પાસપોર્ટ તૈયાર કરાવ્યો હતો. કલોલના આ એજન્ટ દ્વારા દિલ્હીના સરદારજી નામના વ્યક્તિને ડુપ્લીકેટ પાસપોર્ટ બનાવવાનું કામ સોપ્યું હોવાનું તપાસમાં ખુલાસો થયો છે. જેમાં એજન્ટે જીતેન્દ્રને 81 વર્ષનું વૃદ્ધનો વેશ ધારણ કરીને આધાર કાર્ડ, રેશનકાર્ડ અને બેંકની પાસબુક ડુપ્લીકેટ બનાવીને નકલી પાસપોર્ટ તૈયાર કર્યો હતો. જે અમેરિકા જવા માટે બોક્ષ વિઝા મારફતે પ્રોસેસ કરી આ નકલી પાસપોર્ટ 10 વર્ષના અમેરિકાના વિઝા મેળવી આપ્યા હતા. નકલી પાસપોર્ટ દ્વારા 2021માં મુંબઈ એરપોર્ટથી અમેરિકા મોકલ્યા હતા. જીતેન્દ્ર પટેલની બંને કિડનીમાં તકલીફ હોવાને કારણે તે ઓપરેશન માટે અઢી કરોડનો ખર્ચ થવાનો હતો. જેથી જીતેન્દ્ર ભારતમાં ઈલાજ કરવા આવવાનું નક્કી કર્યું હતું. અમેરિકાથી અમદાવાદ પરત આવવાનું હોવાથી તેનો ઓરીજનલ પાસપોર્ટ પણ તેણે કુરિયર મારફતે અમેરિકા મંગાવ્યો હતો અને જેના આધારે તે ફરીથી અમદાવાદ પહોંચ્યા હતો. અને આ દરમ્યાન ઈમિગ્રેશનના અધિકારીને શકા જતા ઝડપાઇ ગયો હતો.

આરોપી જીતેન્દ્ર પટેલ અમેરિકા પહોંચી સ્ટોરમાં નોકરી કરતો હતો. તેના બે સગા ભાઈઓ પણ અમેરિકા રહેતા હતા. હાલ તો એસઓજી પોલીસે ગાંધીનગરના એજન્ટ તેમજ દિલ્હીના સરદારજી નામના વ્યક્તિની શોધખોળ હાથ ધરી છે.