November 22, 2024

નરોડા-કૃષ્ણનગર વિસ્તારને બાનમાં લેનાર અસામાજિક તત્વોને પોલીસે દબોચ્યા

મિહિર સોની, અમદાવાદ: નરોડા-કૃષ્ણનગર વિસ્તારને બાનમાં લેનાર અસામાજિક તત્વોની પોલીસે ધરપકડ કરી છે. બુટલેગરના પુત્રનું અપહરણ કરનારને સબક શીખવાડવા માટે અડધી રાતે નરોડા વિસ્તારને બાનમાં લીધો હતો. પોલીસે બુટલેગરના પુત્ર અજીતસિંહ સહિત સાત આરોપીની ધરપકડ કરી છે.

નરોડામાં અસામાજિક તત્વોએ ફરી એક વખત વિસ્તારને બાનમાં લીધો હોવાની ઘટનામાં આખરે પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસે તોડફોડ કરનાર બુટેલગર પુત્ર અજીતસિંહ સહિત સાત આરોપીઓની ધરપકડ કરી છે. નોંધનીય છે કે, થોડા દિવસ પેહલા અજિતસિંહ તેની હોટેલથી ઘરે જઈ રહ્યો હતો તે સમયે ગાડીની ડીપર કેમ મારી તેમ કહી મર્સિડિઝ ચાલાક ધમા બારડ દ્વારા તકરાર કરવામાં આવી હતી અને અજિત સિંહનું અપહરણ કરી તેને ઢોર માર માર્યો હતો. બુટલેગરના દીકરાનું અપહરણ બાદ પિતાએ કૃષ્ણનગર અને નરોડા વિસ્તાર બાનમાં લીધો હતો. દીકરાનું અપહરણ થયું છે તે વાતની જાણ થતાં પિતા કિશોરસિંહ રાઠોડ થકી અસારવા અને શાહીબાગ વિસ્તારમાં કેટલાક અસમાજિક તત્વોએ મોડી રાત્રે કૃષ્ણનગર અને નરોડા વિસ્તારને બાનમાં લીધો હતો. કુખ્યાત ધમા બારડ સહિત વિસ્તારમાં અન્ય લોકોની ગાડીઓના કાચ ફોડી નાખ્યા અને સમગ્ર વિસ્તારમાં અરાજકતા ફેલાવી હતી.

ઘટનાના સીસીટીવીમાં પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉભા થયા હતા. અજીતસિંહ અને તેની ગેંગ મર્સિડિઝ કારમાં તોડફોડ કરી રહી હતી, તે સમયે એક પીસીઆર વાન પસાર થઇ હતી છતાં, પોલીસ કર્મીઓએ આ લુખ્ખા તત્વોને રોકવાનો પ્રયાસ ન કર્યો અને ત્યાં થી મુક પ્રેક્ષક બનીને રવાના થઇ ગયા. ફરજ બેદરકારી દાખવવા બદલ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા ડાહયાભાઇને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આરોપી અજીતસિંહ અને ધમા બારડની ગેંગ વોર છેલા ઘણા સમયથી નરોડામાં ચાલી રહી છે. વિસ્તારમાં જાણે કાયદો વ્યવસ્થા કથળી હોય તેવું લાગી રહ્યું છે.

આ પણ વાંચો: ભારતમાં મંકીપોક્સની એન્ટ્રી…? વિદેશથી પરત ફરેલી વ્યક્તિમાં જોવા મળ્યા લક્ષણો!

આ મામલે જી ડિવિઝનના એસપીએ કહ્યું કે, પોલીસે તોડફોડ કરનાર બુટલેગર પુત્રની તો ધરપકડ કરી, પરંતુ અપહરણ કરનાર ધમા બારડને પોલીસ નથી પકડી શકી. ધમા બારડ સામે પણ અનેક ગુનાઓ છે. એટલું જ નહીં કુખ્યાત ઘમા બારડ હજી 10 દિવસ પહેલા જ પાસામાંથી જેલમાં બહાર આવ્યો હતો. આરોપી ધમા બારડ સામે પોલીસ ક્યારે કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.