અરવલ્લીના મોડાસામાં ખેતર ધોવાયું, મસમોટા ગાબડાં પડ્યાં
અરવલ્લીઃ મેઘરાજાએ ગુજરાતને બે દિવસથી બાનમાં લીધું છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાએ તાંડવ મચાવ્યું છે. મોડાસાના પહાડપુરમાં ખેતરોની જમીન તણાઈ ગઈ છે.
મળતી માહિતી પ્રમાણે, પહાડપુર-ચોપડા રોડ પર ખેતરોમાં 10 ફૂટ ઊંડા ખાડા પડી ગયા છે. ઉપરવાસની પાણી ખેતરમાં ઘૂસી જતા મોટું ધોવાણ થયું છે. મહામૂલો પાક અને જમીન પાણીના વહેણમાં તણાઈ ગયું છે. વિરમભાઈ ભરવાડ નામના ખેડૂતને મોટું નુકસાન થયા છે. ત્યારે તેમણે તંત્ર પાસે મદદની પોકાર કરી છે.
અરવલ્લીમાં વરસાદે વિનાશ સર્જ્યો છે. મોડાસાના કોલીખડમાં 10 વીઘાના ખેતરોમાં પાણી ઘૂસ્યાં છે. સોયાબીન, મગફળી, કપાસના પાકમાં મોટું નુકસાન થયું છે. વરસાદે વિરામ લીધો છે તે છતાં હજુ સુધી પાણી ઉતર્યા નથી. ખેતરોમાં જળબંબાકાર જેવી સ્થિતિ યથાવત્ છે.
ખેડૂત કહે છે કે, ‘ખેતરમાં ખેડૂતો જઈ શકે એમ નથી. સરકાર સરવે કરાવીને ખેડૂતોને સહાય આપે. પાણી નિકાલની વ્યવસ્થા ન કરતા પાયમાલ થઈ ગયા છે.’