શામળાજી પોલીસ સ્ટેશનના બે કર્મીઓ પર કપલનો હુમલો, વીડિયો વાયરલ
સંકેત પટેલ, મોડાસાઃ અરવલ્લી જિલ્લાના શામળાજી પાસે આવેલી રતનપુર ચેકપોસ્ટ પર ફરજ બજાવતા શામળાજી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ પર અમદાવાદના બે કપલે હુમલો કર્યો છે. તેમાં બેફામ બનેલી એક મહિલાએ પોલીસ કર્મી પર નજીકમાં પડેલી લોખંડની પાઇપ વડે હુમલો કરતા પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયો હતો. ત્યાંથી તાત્કાલિક તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે શામળાજી પોલીસે બે પુરુષ અને બે મહિલા સામે ગુનો નોંધી અટકાયત કરી તપાસ હાથ ધરી છે.
શામળાજીના રતનપુર ચેકપોસ્ટ પર 25 તારીખે રાત્રી દરમિયાન પોલીસ કર્મીઓ પર હુમલાનો વીડિયો સામે આવ્યો છે. જ્યાં શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જયરાજસિંહ લાલસિંહ નામના કોન્સ્ટેબલ અન્ય પોલીસ કર્મીઓ સાથે ધૂળેટીની રાત્રે રતનપુર ચેકપોસ્ટ પર ફરજ બજાવતા હતા. ત્યારે રાજસ્થાન તરફથી આવતી બ્રેઝા કારને અટકાવી તલાસી લેતા અંદર બે કપલ બેઠેલા હતા.
આ પણ વાંચોઃ રાજ્યનું પાટનગર સૌથી ગરમ, ગાંધીનગરમાં 40થી વઘુ ડિગ્રી તાપમાન
તપાસ દરમિયાન પાછળથી એક હોન્ડા અમેઝ કારમાં કપલ આવ્યું હતું અને કાર અટકાવી બ્રેઝા કારમાં રહેલા બંને કપલે તેમની સાથે ઓવરટેક કરવા બાબતે ઝગડો કર્યો હતો. ત્યારે ભયભીત બનેલા કપલને અંદર પોલીસ ચોકીમાં પોલીસ કર્મીએ બેસાડ્યા હતા. ત્યાં બ્રેઝા કારમાં રહેલા બે પુરૂષ અને બે મહિલાઓ ઝગડો કરવા લાગ્યા હતા. ત્યારે કોન્સ્ટેબલ જયરાજસિંહ સહિત અન્ય પોલીસ બંને કપલને સમજાવવા ગયા હતા. ત્યારે બંને કપલ ઉશ્કેરાઈ જઈ પોલીસ કર્મીઓની ફેંટ પકડી લઇને પોલીસને કેમ વીડિયો ઉતારો છો કહી પ્રીતિબા અર્જુનસિંહ ઝાલાએ કોસ્ટેબલ જયરાજસિંહ પર લોખંડની પાઈપ વડે હુમલો કર્યો હતો.
આ પણ વાંચોઃ ‘ભારત રત્ન’ લાલ કૃષ્ણ અડવાણીનું ગુજરાત કનેક્શન, રામ રથયાત્રાથી માંડીને સાંસદ સુધીની કહાણી
તેમજ બંને કપલે ગડદા પાટુનો માર મારવામાં આવતા કોસ્ટેબલને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યારે આ સમગ્ર મામલે શામળાજી પોલીસ ઘટનાસ્થળે પહોંચી બે પુરુષ તેમજ બે મહિલા સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. તેમજ આ જે આરોપીઓ છે તેમાં સહદેવસિંહ ગણપતસિંહ જાડેજા સામે આ અગાઉ 15 ગુના નોંધાયેલા છે અને અર્જુનસિંહ કનકસિંહ ઝાલા સામે 3 ગુના નોંધાયા છે. હાલ આ બંને આરોપીઓને સાબરમતી જેલ ખસેડવામાં આવ્યા છે.