September 8, 2024

અર્જુન મોઢવાડિયાએ ભારે વરસાદને કારણે પાકને થયેલા નુકસાન અંગે સહાય ચુકવવા માંગ કરી

પોરબંદર: પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલને પત્ર લખીને પોરબંદર જીલ્લામાં થયેલા ભારે વરસાદ અને પૂરને કારણે ખેડુતોને પાક નુકસાની અને ખેતર ધોવાણ અંગે તત્કાલ સર્વે કરાવી સહાય ચુકવવા માંગ કરી છે. પોરબંદર જિલ્લામાં થયેલા ભારે વરસાદ અને પૂરને કારણે ખેડુતોને પાક નુકસાન અને ખેતરમાં ધોવાણની સમસ્યા સર્જાઈ છે.

વધુમાં કહ્યું કે, ભારે વરસાદ અને પુરના કારણે ખેડૂતોના પાકને થયેલા નુકસાનીનો રાજ્યના કૃષિ વિભાગ મારફતે સર્વે કરાવીને રાજ્ય સરકારની ‘મુખ્યમંત્રી કિસાન યોજના’ તથા SDRF યોજના અવન્યે સહાય આપવામાં આવે અને પુરની સ્થિતિના કારણે ખેડૂતોના ખેતરોને થયેલ ધોવાણ માટે પણ સર્વે કરાવીને ખેતરોને સમથળ કરવા સહાય આપવામાં આવે.

અર્જુન મોઢવાડિયાએ પત્રમાં જણાવ્યું છે કે, પોરબંદર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં 29 ઇંચ કરતાં વધારે વરસાદ થતાં અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાઇ છે. ભારે વરસાદના કારણે પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા તાલુકામાં નદી, વોંકળાઓમાં ભારે પૂર આવેલ છે. જિલ્લાનો મોટાભાગનો વિસ્તાર સંપર્ક વિહોણો થયાં બાદ હવે પૂર ઓસરવાની શરૂઆત થઈ છે. ખેડૂતોએ વાવેલ મગફળી, કપાસ, સોયાબીન જેવા વાવેતરવાળા પાકોને ભારે નુકસાન થયું છે. આ ઉપરાંત ભારે પૂરને કારણે ખેડૂતોના ખેતરોમાં ધોવાણ થયું છે.

અર્જુન મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું છે કે ઘેડ વિસ્તારમાં પણ આ વર્ષે ઘણા ગામોમાં મગફળીનું વાવેતર થયેલું હતું. આ વાવેતરનો મોટો હિસ્સો નાશ પામતા ખેડૂતોને ખુબજ નુકસાન ગયું છે. આ સંજોગોમાં ખેડૂતોને મદદરૂપ થવા માટે ખેડૂતોના પાકને થયેલ નુકસાનીનો રાજ્યના કૃષિ વિભાગ મારફતે સર્વે કરાવીને રાજ્ય સરકારની “મુખ્યમંત્રી કિસાન યોજના” તથા SDRF યોજના અવન્યે સહાય આપવા તથા ખેડૂતોના ખેતરોને થયેલ ધોવાણ માટે પણ સર્વે કરાવીને ખેતરોને સમથળ કરવા સહાય આપવામાં આવે.