ઓટો ઇન્ડસ્ટ્રીને 2024 ફળ્યું, ગુજરાતમાં 18 લાખથી વધુ વાહનો વેચાયાં
આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદઃ દેશમાં મોંધવારી વચ્ચે પણ વાહનોના વેચાણમાં વધારો જોવા મળ્યો છે. રાજ્યમાં સારો વરસાદ થયો હોવાને કારણે વાહનોના વેચાણમાં વધારો જોવા મળ્યો છે. વર્ષ 2024 ઓટો ઇન્ડસ્ટ્રીને ફળ્યું છે અને દેશભરમાં 2.61 કરોડથી વધુ વાહનોનું વેચાણ થયું છે, જ્યારે ફક્ત ડિસેમ્બર મહિનામાં જ 17 લાખથી વધુ વાહનો વેચાયા છે, જ્યારે ગુજરાતમાં એક જ મહિનામાં 1.5 લાખથી વધુ વાહનો વેચાતા ઓટો ઇન્ડસ્ટ્રીને બુસ્ટ મળ્યું છે.
કોરાનાકાળમાં ઓટો ઇન્ડસ્ટ્રીને ફટકો પડ્યો હતો, પરંતુ જેમ જેમ માર્કેટ ખુલ્યું તેમ તેમ દેશભરમાં વાહનોના વેચાણમાં વધારો જોવા મળ્યો છે. વર્ષ 2024 તો જાણે ઓટો ઇન્ડસ્ટ્રી માટે નવું જોમ લઇને આવ્યું હોય તેમ રેકોર્ડબ્રેક વાહનોના વેચાણમાં વધારો જોવા મળ્યો છે. વર્ષ 2024માં સમગ્ર ભારતમાં 2,61,07,679 વાહનોનું વેચાણ થયું છે, જે ગત વર્ષ કરતાં 9.11 ટકા વધુ છે.
ગુજરાતની વાત કરવામાં આવે તો વર્ષ 2024માં 18,94,740 વાહનોના વેચાણમાં વધારો જોવા મળ્યો છે, જે ગત વર્ષ કરતાં 4.35 ટકા વધુ છે. જ્યારે ડિસેમ્બરની વાત કરવામાં આવે તો દેશભરમાં 17,56,419 લાખ વાહનોનું વેચાણ થયું હતું, જ્યારે ગુજરાતમાં 1,50,035 વાહનોનું વેચાણ નોંધાયુ છે.
નવા વર્ષની શરૂઆતથી જ ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીમાં તેજી જોવા મળી રહી છે. આગામી વર્ષે પણ આ જ મોમેન્ટમ જોવા મળશે તેવો આશાવાદ ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિએશનનું માનવું છે. ફાડાના ચેરમેન પ્રણવ શાહે જણાવ્યું હતું કે, રાજ્યમાં મોટા શહેરોની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ વાહનોના વેચાણમાં વધારો જોવા મળ્યો છે.
ગત એપ્રિલથી લઇને ડિસેમ્બર સુધીમાં ફેસ્ટીવ સિઝનને કારણે વાહનોનાં વેચાણમાં વધારો જોવા મળ્યો છે. નવરાત્રી અને દિવાળીના સમયે વાહનોના વેચાણમાં વધારો જોવા મળ્યો હતો. રાજ્યમાં સારો વરસાદ પણ વાહનોના વેચાણમાં મહત્વનો ભાગ ભજવ્યો હોવાનું ફાડાનું માનવું છે. સ્મોલ કાર્સથી લઇને લક્ઝુરિયસ કાર્સના વેચાણમાં પણ વધારો જોવા મળ્યો છે.
કેટેગરી વેચાણ
- ટુ-વ્હીલર – 1,89,12,959
- થ્રી વ્હીલર – 12,21,909
- સીવી – 10,04,856
- પીવી – 40,73,843
- ટ્રાન્સપોર્ટ – 8,94,112
- કુલ – 2,61,07,679
ગુજરાતમાં વેચાયેલા વાહનો – 2024
- ટુ-વ્હીલર – 12,73,428
- થ્રી વ્હીલર – 81,788
- સીવી – 81,442
- પીવી – 3,57,788
- ટ્રાન્સપોર્ટ – 1,00,294
- કુલ – 18,94,740