November 25, 2024

બનાસકાંઠાના ખેડૂતે ખોલ્યું ‘ડોન્કી ફાર્મ’, ગધેડાના દૂધમાંથી કરે છે લાખોની કમાણી

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ ગાય-ભેંસની જેમ હવે ગધેડા પણ પશુપાલકને લાખો રૂપિયાની કમાણી કરાવી રહ્યા છે. બનાસકાંઠાના એક યુવા ખેડૂતે ડોન્કી ફાર્મ ખોલ્યું છે અને હવે તેમાંથી સારી એવી કમાણી કરી રહ્યો છે. ચાલો જાણીએ સમગ્ર કહાણી…

બનાસકાંઠાના પાલનપુરના ગઢ ગામની જ્યાં ગર્દભ કરાવી રહ્યા છે લાખોની કમાણી. ગઢ ગામના યુવા ખેડૂતે ગર્દભનું પશુપાલન કર્યું છે અને તેમાંથી લાખો રૂપિયા કમાવવાની અપેક્ષા છે. ગઢ ગામના ખેડૂતે 16 જેટલા ગર્દભ લાવી ડોન્કી ફાર્મ બનાવ્યું છે. સોશિયલ મીડિયામાં જોઈ અને આ યુવકને ડોન્કી ફાર્મ બનાવવાનું વિચાર આવ્યો. ત્યારબાદ તેને જ્યાં ડોન્કી ફાર્મ હતા. તેની મુલાકાત લીધી અને ત્યારબાદ ડોન્કી ફાર્મ બનાવવાનું નક્કી કર્યું. જો કે, અત્યારે ગઢ ગામના આ ખેડૂતના ખેતરમાં 16 જેટલા ગર્દભ છે. તેમાંથી 10 જેટલા ગર્દભ દૂધ આપે છે. એક ગદર્ભ 300થી 400 ગ્રામ જેટલું દૂધ આપે છે. આમ, 10 ગદર્ભ 4 લિટર જેટલું દૂધ આપે છે.

યુવા ખેડૂત ના જણાવ્યા પ્રમાણે, આ દૂધની કિંમત પ્રતિ લિટર 3000 રૂપિયા કરતાં વધુ હોય છે. આ દૂધમાંથી જે પાવડર બને છે તેની પ્રતિ કિલો કિંમત અંદાજે 30,000 રૂપિયા હોય છે. યુવા ખેડૂત ગર્દભનું પશુપાલન કરી તેમાંથી દૂધ કાઢે છે અને માઇનસ ડિગ્રીમાં આ દૂધને રાખી અને તેમાંથી પાવડર બનાવે છે. નેશનલ અને ઇન્ટરનેશનલ માર્કેટમાં આ પાવડરની કિંમત એક કિલોના અંદાજે 30,000 રૂપિયા જેટલી હોય છે.

આ પણ વાંચોઃ ઝિંગા ઉછેર કેન્દ્રોમાં વ્હાઇટ સ્પોટ સિન્ડ્રોમ નામનો રોગ ફેલાયો, લાખોનું નુકસાન થાય તેવી શક્યતા

આ ખેડૂતોને ગર્દભના દૂધથી લાખો રૂપિયાની કમાણી થાય છે. પરંતુ ગર્દભના એક લીટર દૂધમાંથી માત્ર દસ ગ્રામ પાવડર બને છે. ત્યારે દૂધને સ્ટોર કરવામાં આવે છે અને વધુ દૂધ થાય ત્યારે તેમાંથી પાવડર બનાવવામાં આવે છે. ખેડૂતને ગર્દભનું રોજનો નિભાવ ખર્ચ 1500થી 2000 આવે છે એટલે કે મહિનાના 60,000 રૂપિયા પશુપાલનનો ખર્ચ થાય છે. સમાજ અને ગામમાં પહેલા તો ગધેડા લાવ્યા છે એમ વાત થતી હતી. ત્યારે આ યુવાનને ગામમાં જતા પણ સંકોચ થતો હતો. પરંતુ ધીમે ધીમે હવે ગર્દભના દૂધની કિંમત અને તેની પ્રોડક્ ની કિંમત સમજાતા લોકો પણ હવે આ કામની મુલાકાત લઈ રહ્યા છે.

આ ગર્દભની સાર સંભાળ અને દોહવા માટે પણ માણસનો ખર્ચ લાગે છે. ગઢના સ્થાનિક લોકો પણ આ યુવા ખેડૂતની નવી પહેલને આવકારી રહ્યા છે. આ ગર્દભનું દૂધ અથવા તેની પ્રોડક્ટ પાવડર નેશનલ માર્કેટમાં ઇન્ટરનેશનલ માર્કેટમાં વેચાય અને સરકાર પણ નવી પશુપાલનની પહેલની નોંધ લે છે. આવા ખેડૂતોને સહકાર આપે તેવું પણ સ્થાનિકો અને ખેડૂતો અપેક્ષા રાખી રહ્યા છે.