બનાસકાંઠામાં બટાકાનો મબલખ પાક ઉતર્યો, ખેડૂતોનો આક્ષેપ – વેપારી લેવા તૈયાર નથી, કોલ્ડ સ્ટોરેજમાં જગ્યા નથી!

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ જિલ્લામાં હાલ બટાકા નીકળવા માટેની સિઝન ચાલી રહી છે. ઘણાં ખેડૂતોએ ખેતરોમાં વાવેલાં બટાકા બહાર કાઢી દીધા છે, પરંતુ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયેલા જોવા મળી રહ્યા છે. કારણ કે, બટાકા લેવા માટે કોઈ વેપારી તૈયાર નથી અને જે વેપારી લેવા માંગે છે. તે ખૂબ જ નીચા ભાવે બટાકા લેવાની માગ કરી રહ્યા છે. તો બીજી તરફ કોલ્ડ સ્ટોરેજમાં પણ જગ્યા ન હોવાનું કહીને ખેડૂતોના બટાકાનો સંગ્રહ કરવામાં આવતો નથી. ત્યારે કોલ્ડ સ્ટોરેજ અને વેપારીઓની મિલીભગતના કારણે ખેડૂતો પરેશાન થતા હોવાનો આક્ષેપ કરી રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં બટાકાનું વાવેતર મોટા પ્રમાણમાં થાય છે. અનેક ખેડૂતો બટાકાનું વાવેતર કરે છે. ત્યારે હાલ બટાકા બહાર કાઢવાની સિઝન ચાલી રહી છે અને ઘણા ખેડૂતોએ ખેતરમાંથી બટાકા બહાર કાઢી દીધા છે. જો કે, હાલ ખેડૂતોનાં બટાકાની ખરીદી માટે કોઈ આવતું નથી. તેને લઈને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
ખેડૂતોનું કહેવું છે કે, 1800 રૂપિયાના ભાવે બિયારણની ખરીદી કરી હતી. હાલ ભાવ ખૂબ જ નીચા મળી રહ્યા છે. હાલ બટાકાના ભાવ 160થી 170 રૂપિયા મળી રહ્યા છે. ત્યારે ખેડૂતો બટાકા કોલ્ડ સ્ટોરેજમાં મૂકવા મજબૂર બન્યાં છે. કોલ્ડ સ્ટોરેજ દ્વારા પણ ખેડૂતોના બટાકા લેવામાં આવતા નથી. કોલ્ડ સ્ટોરેજમાં બટાકા મૂકવા માટેની જગ્યા નથી, તેવું સંચાલકો કરી રહ્યા છે. બીજી તરફ વેપારીઓ સસ્તા ભાવે બટાકા માગી રહ્યા છે. ત્યારે હવે બટાકા ખેતરમાંથી નીકળ્યા બાદ જો 10 દિવસમાં ખરીદી નહીં થાય અથવા તો કોલ્ડ સ્ટોરેજમાં મૂકવામાં નહીં આવે તો પાક નિષ્ફળ જવાની શક્યતા છે અને ખેડૂતોને લાખોનું નુકસાન થવાનો ડર સતાવી રહ્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં આ વખતે બટાકાનું મબલક ઉત્પાદન થયું છે અને હાલના સમયે ખેડૂતોના ખેતરોમાંથી બટાકા કાઢવામાં આવી રહ્યા છે. વડગામ તાલુકાના વણસોલ ગામના ખેડૂતોનું કહેવું છે કે, 12થી 13 એકરમાં બટાકાની ખેતી કરી હતી. 10થી 12 લાખ રૂપિયા જેટલો ખર્ચ કર્યો હતો અને 20 લાખ રૂપિયા જેટલી આવક થાય તેવું લાગી રહ્યું છે. હાલમાં કોઈ વેપારી બટાકા ખરીદવા તૈયાર નથી અને જે ખરીદવા તૈયાર છે તે 20 કિલોના માત્ર 160 રૂપિયા 170 રૂપિયાના સસ્તા ભાવે બટાકાની માંગણી કરી રહ્યા છે. સરકાર દ્વારા ખેડૂતોના બટાકાનો સંગ્રહ થઈ શકે તે માટે કોલ્ડ સ્ટોરેજ બનાવવા લાખો રૂપિયાની સબસિડી આપવામાં આવી હતી. જો કે, હાલના સમયે કોલ્ડ સ્ટોરેજમાં પણ ખેડૂતોના બટાકા મૂકવા માટેની જગ્યા નથી, તેવું સંચાલકો કરી રહ્યા છે. ત્યારે ખેડૂતો મૂંઝવણમાં મૂકાયા છે. જો આગામી 10 દિવસમાં બટાકાનો વેપાર નહીં થાય અથવા તો કોલ્ડ સ્ટોરેજમાં મૂકવામાં નહીં આવે તો પાક બગડી જવાની શક્યતા છે. તેને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે અને આ મામલે સરકાર ખેડૂતો માટે યોગ્ય નિર્ણય લે અને કોઈ પગલાં ભરે તેવી માગ કરી રહ્યા છે.
બીજી તરફ કોલ્ડ સ્ટોરેજના સંચાલકોનું કહેવું છે કે, કંપનીના પણ બટાટા લેવાય છે અને ખેડૂતના પણ બટાટા લેવાય છે. ત્યારે ચોક્કસ કોલ્ડ સ્ટોરેજમાં જે મોટાભાગના સંગ્રહ કરવામાં બટાટા આવી રહ્યા છે, તે કંપનીઓ સાથે કરાર કરી અને કંપનીના બટાટા સંગ્રહ થઈ રહ્યા છે. એટલે મોટાભાગના ખેડૂતો પણ સ્ટોરેજમાં બટાટા સ્ટોર કરવાથી વંચિત રહે છે.