November 25, 2024

બંગાળની ખાડીમાં તોફાન, દરિયાકિનારાના વિસ્તારોમાં હાઇએલર્ટ

નવી દિલ્હી: સમગ્ર દેશમાં ચોમાસું વિદાયના આરે છે. તેમ છતાં ભારતીય હવામાન વિભાગે (IMD) 16 ઓક્ટોબર સુધી 10 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. જેના કારણે ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. IMD અનુસાર, દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગામી બે દિવસમાં ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્રના કેટલાક ભાગો, બિહાર અને ઝારખંડમાંથી પાછું ખેંચે તેવી શક્યતા છે. જો કે, ઘણા રાજ્યોમાં ખાસ કરીને દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં ભારે વરસાદ ચાલુ રહેવાની ધારણા છે.

આ દરમિયાન બંગાળની ખાડીમાં ફરી એકવાર તોફાન વધ્યું છે. હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે કે, સોમવાર સુધીમાં લો પ્રેશર સિસ્ટમ ચક્રવાતમાં ફેરવાઈ જશે. ચક્રવાત નજીક આવતાં આંધ્ર પ્રદેશના ગૃહ પ્રધાને ગૃહ અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગના અધિકારીઓને બાપટલા, પ્રકાશમ, નેલ્લોર, કુર્નૂલ અને નંદ્યાલા જેવા કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની અપેક્ષા સાથે સંભવિત અસરો માટે સાવચેત રહેવા અને તૈયાર રહેવાનો નિર્દેશ આપ્યો છે. આ ચક્રવાતની અસર બંગાળથી બિહાર સુધી જોવા મળશે.

દક્ષિણના રાજ્યો માટે IMDની આગાહી મુજબ, તામિલનાડુ અને પોંડિચેરીમાં 15 ઓક્ટોબર સુધી, કેરળમાં આગામી છ દિવસમાં અને આંધ્રપ્રદેશમાં 14થી 16 ઓક્ટોબર સુધી ભારે વરસાદ પડી શકે છે. કર્ણાટકમાં પણ 14 ઓક્ટોબર સુધી વરસાદ પડશે. જ્યારે તામિલનાડુ અને કેરળમાં 14 અને 15 ઓક્ટોબરે ભારે વરસાદ પડી શકે છે.

તેમજ આજે ગુજરાતમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠાવાડા, પૂર્વ મધ્ય પ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આજે દિલ્હીમાં આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે અને મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ રહેશે. રાષ્ટ્રીય રાજધાની માટે અન્ય કોઈ વિશેષ તાપમાન જાહેર કરવામાં આવ્યું નથી.