ભાભર માર્કેટયાર્ડ બન્યું લીંબોળીનું હબ, રોજનો લાખો રૂપિયાની લીંબોળીનો વેપાર
રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાનું ભાભર ગામ લીંબોળીનું હબ બન્યું છે. જિલ્લાના સરહદી વિસ્તારની મહિલાઓ હવે ખેતી અને પશુપાલનની સાથેસાથે ખેતરના શેઢા પર તેમજ માર્ગો પર ઊભેલા લીમડાની લીંબોળીઓ એકઠી કરી સામાન્ય ગણાતી આ લીંબોળીમાંથી રોજગારી મેળવતી થઈ છે. જોકે આ વર્ષે સામાન્ય ગણાતી ડુંગળીના ભાવ આસમાને જતા ગુજરાતમાં સૌથી વધુ લીંબોળીની આવક ધરાવતું ભાભર માર્કેટયાર્ડ અત્યારે લીંબળીઓથી ઉભરાઈ રહ્યું છે.
બનાસકાંઠા જિલ્લામાં લીમડા પર થતી લીંબોળીઓના ઢગલાનો ખૂબ જ મોટો ઉદ્યોગ વિકસી રહ્યો છે. અત્યારે બનાસકાંઠામાં આવેલું ભાભર માર્કેટયાર્ડ લીંબોળીઓથી ઉભરાઈ રહ્યું છે. રોજનો લાખો રૂપિયાની લીંબોળીનો અહીં વેપાર થાય છે. છેલ્લા દસ વર્ષમાં લીંબોળીની માગમાં ખૂબ જ વધારો થયો છે. જેના કારણે ખેડૂતોના ખેતરના સેઢે ઉભેલા લીમડા પણ હવે ખેડૂતોની રોજગારીનું સાધન બન્યા છે, આમ તો બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષે પાણીના તળ દિવસેને દિવસે ઊંડા જઈ રહ્યા છે દસ વર્ષ પહેલાં જે પાણી 200 ફૂટે મળતું હતુ. તે અત્યારે હજાર ફૂટ સુધી પણ પીવાનું મીઠું પાણી મળતું નથી. જેથી કેટલાય વિસ્તારોમાં ખેતી પર માઠી અસર પડતાં ખેડૂતોની આવકના સ્ત્રોત ઘટી રહ્યા છે. ત્યારે બીજી તરફ ખેતરમાં ઉભેલા પાંચ-દસ લીમડા પણ ખેડૂતોને સારી આવક આપી જાય છે. ત્યારે સરહદી વિસ્તારમાં સ્લમ તેમજ મધ્યમવર્ગીય મહિલાઓ જાહેર માર્ગોની આસપાસ ઉગેલા લીમડાઓની લીંબોળી વીણી પોતાની રોજી રોટી મેળવતી થઈ છે.
મહત્ત્વની વાત એ છે કે સામાન્ય રીતે લીમડાને લોકો ફક્ત છાયો આપવા માટે જ મદદરૂપ બનતું વૃક્ષ માની રહ્યાં છે પરંતુ બનાસકાંઠાના સરહદી વિસ્તારના લોકો માટે લીમડો એક રોજગારી રૂપ બન્યો છે. જિલ્લામાં ભાભર , સુઈગામ અને વાવ સહીત તાલુકાઓમાં હજારો મહિલાઓ અને ખેડૂતોના વ્યવસાય સાથે લીંબોળી સંકળાઇ છે. જોકે આ સિઝનમાં લીંબોળીના ભાવ 350 રૃપિયે મણ વેચાઈ રહી છે. જેને કારણે સરહદી વિસ્તારની મહિલાઓ સિઝનમાં લીંબોળીનાં વ્યવસાય થકી 20થી 25 હજાર રૂપિયા આરામથી કમાઈ લે છે. ભાભર માર્કેટયાર્ડમાં અત્યારે લીંબોળી ખરીદવાની સીઝન શરૂ થઈ છે ત્યારે ગયા વર્ષે લીંબોળીની આવક 80 થી 90% હતી અને તેનો ભાવ ₹300 થી શરૂ થતો હતો ત્યારે આ સીઝનની શરૂઆતમાં પણ રોજની 20,000 થી પણ વધુ બોરી જેટલી આવક છે. એટલે કુલ અંદાજે 30 લાખ રૂપિયાની લીંબોળીનો વેપાર માત્ર આ એક જ માર્કેટમાં થાય છે. જે ગુજરાતમાં સૌથી વધુ લીંબોળીની આવક ધરાવતું માર્કેટયાર્ડ છે.
મહત્ત્વની વાત એ છે કે ભાભર માર્કેટયાર્ડમાં એકત્ર થતી આ લીંબોળી જે તે ફેક્ટરીના સંચાલકો ખરીદી જાય છે અને તેમાંથી મોટાભાગની લીંબોળીની આયાત અન્ય દેશોમાં પણ થતી હોવાનું સંચાલકો જણાવી રહ્યાં છે.ત્યારે બનાસકાંઠા ફક્ત બટાટાની આયાત માંજ નહિ પરંતુ લીંબોળીની આયાતમાં પણ મોખરે બનવા જઈ રહ્યું છે તેવું સ્પષ્ટપણે કહી શકાય.