ભાવનગરમાં કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહની કોંગ્રેસને ચેતવણી – જનતાને ગુમરાહ કરી રાજનીતિ ન કરો
ભૌમિક સિદ્ધપુરા, ભાવનગરઃ શહેરમાં ભાજપના લોકસભાની બેઠકના ઉમેદવાર નીમુબેન બાંભણિયાનાં પ્રચાર માટે કેન્દ્રના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આવ્યા હતા તેમની જાહેરસભા સિહોર ખાતે યોજાઈ હતી. આ સભામાં ઉમેદવાર નીમુબેન બાંભણિયા, સંસદ સભ્ય ભારતીબેન શિયાળ, ભાજપના પૂર્વ અધ્યક્ષ રાજુ રાણા, માજી મંત્રી જીતુ વાઘાણી, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રભારી બ્રિજેશ મેરજા તેમજ ભાવનગર સહિતના જિલ્લાના પ્રમુખો અને ધારાસભ્યો હાજર રહ્યા હતા.
રાજનાથસિંહે જણાવ્યુ હતુ કે, ‘ભાવનગર તો અગાઉ આવ્યો છું પરંતુ સભા અંબોધન કરવા પ્રથમ વખત આવ્યો છું. હું આજે ભાવનગરમાં નિમુબેનને મત આપો તેની અપીલ કરવા આવ્યો છું. હું એવું નથી કહેતો કે અગાઉની કોઈ સરકારે કામ નથી કર્યા પરંતુ એટલું ચોક્કસ કહીશ કે મોદી જેટલો વિકાસ કોઈ એ કર્યો નથી. વર્ષ-2046માં ભારત ને વૈશ્વિક સત્તા મળશે અને તેને કોઈ રોકી શકશે નહીં. યુક્રેન યુદ્ધના સમયે ભારતના વડાપ્રધાને બંને દેશના વડાપ્રધાનને યુદ્ધ રોકવા કહ્યું અને 4 કલાકમાં યુદ્ધ રોકાયું અને યુવાનો ભારત પરત ફર્યા હતા. કોંગ્રેસની હકૂમતમાં આતંકવાદી હુમલાઓ થતા હતા અને અનેક રાજ્યોમાં હુમલા થતા હતા. ત્યારે આજે ભારતમાં ક્યાંય હુમલા થતા નથી, સિવાય કે કાશ્મીરમાં નાના છમકલાં થાય છે. જેની સામે કડક કાર્યવાહી અમે કરી છે. પાડોશી દેશને ખબર પડી ગઈ છે કે, ભારત હવે પહેલાનું ભારત નથી. ભારત પાડોશીના ઘરમાં ઘૂસીને મારી શકે છે. કેન્દ્ર સરકારે કરેલા કામોની સિદ્ધિને વખાણી હતી.’
ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને રાજનાથસિંહજીએ યાદ કર્યા હતા અને રાહુલ ગાંધીએ રજવાડા અને મહારાજા ઉપર કરેલી ટિપ્પણીને લઇને ટીકા કરી હતી. હવે ભાજપ સરકારમાં દિલ્હીથી મોકલાયેલા સો રૂપિયા છેલ્લામાં છેલ્લા માણસ સુધી પહોંચે છે, સરકાર ચલાવવાની રાજનીતિક આવડત એક માત્ર ભાજપ પાસે છે. પહેલાનું કાશ્મીર અને અત્યારનું કાશ્મીર સાવ બદલાઈ ગયું છે. વધુમાં રાજનાથસિંહે જણાવ્યું હતું કે, અમે રામ મંદિરની ખાતરી આપી હતી અને બાબરી મસ્જિદનો ઢાંચો તોડવાની જવાબદારી સંભાળી હતી. ભારતમાં રામરાજ્યનો સંકેત થઈ ચૂક્યો છે. કારણ કે, રામ હવે ઝૂંપડીમાંથી મંદિરમાં આવી ગયા છે. કોંગ્રેસને રાજનાથ સિંહની અપીલ જનતાને ગુમરાહ કરીને રાજનીતિ ના કરો. રાજનાથસિંહે કહ્યુ હતુ કે, જેમ ડાયનાસોર જમીન ઉપરથી લુપ્ત થયા છે તેમ કોંગ્રેસ હવે સાફ થઈ જશે.’