વીજ બીલ ભર્યા પછી પણ અંધકારમાં જીવે છે પરિવાર, સાંસદની રજૂઆત છતાં તંત્ર નિષ્ક્રિય
નીતિન ગરવા, ભૂજઃ શહેરના ખારસરા ગ્રાઉન્ડ નજીક સંજોગનગરમાં નાઝિર લંગા નામના ડોલ-નગારા વાદ્ય કલાકાર રહે છે. તેઓ પત્ની અને પુત્ર સાથે રહે છે. તેમનો 30 વર્ષ દીકરો 100 ટકા અપંગતા ધરાવે છે. તેથી તેમના પરિવારની સંપૂર્ણ જવાબદારી તેમના પર છે. રોજગારના અભાવના લીધે લાઈટ બીલ ભરપાઈ કરવાની પરિસ્થિતિ ન હોવાથી એક વર્ષ અગાઉ પીજીવીસીએલ દ્વારા વીજ કનેક્શન કાપી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ કોર્ટ મારફતે તાલુકા સેવા સમિતિ આયોજિત લોક અદાલતમાં સમાધાન પેટેની બાકી રહેતી તમામ રકમ હપ્તાથી ચૂકવણી કરેલી હતી. તેમ છતાં પીજીવીસીએલ દ્વારા લાઈટનું કનેક્શન આપવામાં આવ્યું નથી. લાઈટ ન હોવાના લીધે અપંગ દીકરાને ખૂબ મુશ્કેલી સામનો કરવો પડી રહ્યો છે. અહીં પીડિતે સાંસદને રજૂઆત કરી હતી, જે બાદ સાંસદે PGVCLને લેખિતમાં રજૂઆત કરી હતી છતા PGVCLના કર્મચારીઓએ વીજ જોડાણ પૂન: ચાલુ કરવા કોઇ ઠોસ પગલા લીધા નહી.
વીજ બીલ ચૂકવ્યું હોવા છતાં પણ વીજ કનેકશન ન અપાતા એક વર્ષથી નાઝિર લંગા પીજીવીસીએલ, ગ્રાહક સુરક્ષા અને કલેક્ટર સહિતની કચેરીઓમાં ન્યાય માટે ધક્કાઓ ખાઈ રહ્યા છે. પરંતુ તેમ છતાં તેમને દર વખતે નિરાશા જ હાથ લાગે છે. જાણે બધી કચેરીઓમાં નબળા વર્ગનું કોઈ સાંભળવા વાળું જ કોઈ ન હોય તેમ બધા આંખ આડા કાન કરે છે. કલાકારોની કલાકારી જળવાઈ રહે તે માટે સરકાર એકબાજુ અનેક યોજનાઓ લાવતી હોય છે. કલાકારો પગભર બની શકે તે માટે અનેક કાર્ય કરતી હોય તેવામાં કલાકારોને આવા કડવા અનુભવો થાય છે, તે સરકારની વડવી વાસ્તવિકતા દર્શાવી છે.
આ પણ વાંચોઃ પોસ્ટરવોર મામલે BJPની કલેક્ટર સહિત રાજ્ય ચૂંટણી પંચમાં ફરિયાદ
આ અંગે પીજીવીસીએલ ભૂજ ડિવિઝનના એક્ઝિક્યૂટિવ એન્જિનિયરે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગ્રાહકોને બાકી રહેતા વીજ બીલ અંગે અવારનવાર જાણ કરવામાં આવે છે. તેમ છતાં જો બાકી રહેતું વીજ બીલની ભરપાઈ ન થાય તો તેવા ગ્રાહકોનું વીજ કનેકશન કાયમી ધોરણે કાપી દેવામાં આવતું હોય છે. ત્યારબાદ તેવા ગ્રાહકોના વીજ બીલ ભરપાઈ કરવાના કેસને લોક અદાલતમાં મુકતા હોઈએ છીએ. જ્યાં ગ્રાહકો સાથે સમાધાન થતું હોય છે, બાકી રહેતી વીજ બીલની રકમ ગ્રાહક ભરવા સમર્થ હોય તેવાં હપ્તા કરી દેવામાં આવતા હોય છે. તમામ રકમ ભરપાઈ થયા બાદ ગ્રાહકને ફરીથી નવા કનેકશન માટેની નવી અરજી કરવાની હોય છે. તમામ જરૂરી પુરાવા મેળવ્યા બાદ જ નવું કનેકશન અપાતું હોય છે.
આ પણ વાંચોઃ રાજ્યમાં ગરમીનો પારો વધશે, સૌરાષ્ટ્ર-કચ્છમાં હિટવેવની આગાહી
ગેરકાયદેસર જગ્યા પર વીજ કનેકશન આપવા મુદ્દે પીજીવીસીએલના કર્મીઓએ ઓફ ધ રેકર્ડ વાત કરતા જણાવ્યું હતું કે, વર્ષોથી ગેરકાયદેસર જગ્યામાં રહેતા હોય તેવા લોકોનું જો એકવાર વીજ કનેકશન કપાયું તો તેને ફરી ગેરકાયદેસર જગ્યાઓમાં વીજ કનેકશન નહીં મળે. અગાઉ ચીફ ઓફિસર અથવા ગ્રામ્ય વિસ્તાર હોય તો તલાટીના બાંહેધરી પત્ર આધારે પીજીવીસીએલ દ્વારા ગેરકાયદેસર મકાનમાં વીજ કનેકશન અપાતું હતું. પરંતુ અત્યારે સરકારના આદેશ અનુસાર ગેરકાયદેસર જગ્યા પર નવું કનેકશન આપવાની મનાઈ છે. જે લોકો ગેરકાયદેસર જગ્યા પર રહેતા હોય તો તેને અચૂક સમયસર વીજ બીલ ભરપાઈ કરી આવવું જેથી લાઈટ વગર ન રહેવું પડે. વર્ષોથી ગેરકાયદેસર જગ્યામાં રહેતા લોકો માટે આ લાલબત્તી સમાન કિસ્સો છે.