ઉનાળાની શરૂઆતમાં જ ભૂજવાસીઓ પાણીની સમસ્યાથી પરેશાન, તંત્ર દોડવા લાગ્યું!

10 દિવસથી પાણી ન આવતા લોકોએ હોબાળો મચાવ્યો હતો.
નીતિન ગરવા, ભૂજઃ શહેરમાં પાણીની તંગીને લઇ ભૂજવાસીઓ વિફર્યા હતા. અઠવાડિયા અગાઉ નર્મદા પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા છતાં હજુય સુધી લાઈન રીપેર ન થતા લોકો રોષે ભરાયા હતા. ભૂજ નગરપાલિકાના જૂની રાવલવાડી ખાતે આવેલા પાણીના ટેન્કર કાર્યાલયે રહેવાસીઓ પહોંચ્યા હતા. 10 દિવસથી પાણી માટે ટળવળતા લોકોની મુશ્કેલીઓ વધી છે, ત્યારે તાત્કાલિક ભુજ નગરપાલિકા દ્વારા પાણી આપવામાં આવે તેવી ભૂજવાસીએ માગ હતી.
ભૂજના તમામ વોર્ડમાં પાણીની અત્યંત તંગી સર્જાતા લોકોને પારાવાર મુશ્કેલી સામનો કરવાનો વારો આવ્યો છે. ભૂજ નગરપાલિકાના સત્તાધીશો પાણીની તંગીને પહોંચી ન વળતા સત્તાપક્ષના નગરસેવકોને ફોન બંધ કરવાનો વારો આવ્યો હતો. પાણીની સમસ્યાને લઇ સત્તાપક્ષ નગરસેવકોનો ફોન બંધ આવતા રોષે ભરાયેલા રહેવાસી ભૂજ પાલિકાના રાવલવાડી વિસ્તારમાં આવેલા પાણીના ટેન્કર કાર્યાલયે પહોંચ્યા હતા.
આ પણ વાંચોઃ ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ રદ કરવા અડગ; જાણો A to Z માહિતી
આ સમગ્ર ઘટનાની જાણ વહીવટી તંત્રને થતા ભૂજ પ્રાંત, ભૂજ ચીફ ઓફિસર અને પોલીસ અધિકારીઓનો કાફલો પાલિકાના ટેન્કર કાર્યાલયે પહોંચ્યો હતો. સ્થિતિ ન બગડે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. કચ્છ કલેકટર દ્વારા પાલિકાના સત્તાધીશોને તાત્કાલિક તમામ રહેવાસીઓને પાણી પહોંચાડવામાં આવે તેવી ટકોર કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ ગુજરાતની આ 10 લોકસભા બેઠક પર ભાજપને કોંગ્રેસ કરતાં ડબલ વોટ મળ્યાં
ભુજમાં દૈનિક પાણીની જરૂરીયાત 40 એમએમડી છે, પરંતુ હાલ માત્ર ટેન્કર દ્રારા પાણી વિતરણ થઈ રહ્યું છે. લાઇન રિપેર થયા બાદ પણ નિયમિત પાણી માટે હજુ એક સપ્તાહ જેટલો સમય લાગશે. તેવામાં ઉનાળામાં પાણીની સમસ્યા વિકરાળ બને તો નવાઈ નહી. જો કે, હાલ પાલિકાની નિષ્ફળતા વચ્ચે તંત્ર અને પોલીસે મોરચો સંભાળ્યો છે.