અમદાવાદમાં મકાનમાંથી બોગસ કોલસેન્ટર ઝડપાયું, અમેરિકનોને લોન આપવાના બહાને છેતરપિંડી આચરતા
મિહિર સોની, અમદાવાદ: અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલ સીલીકોન વેલીના મકાનમાંથી બોગસ કોલસેન્ટર ઝડપાયું છે. આ લોકો કોલસેન્ટરમાંથી અમેરિકન નાગરિકોને લોન આપવાના બહાને છેતરપિંડી કરતા હતા. વેજલપુર પોલીસે પાંચ આરોપીઓ પાસેથી 10 ફોન, 3 લેપટોપ જપ્ત કર્યા છે. મુખ્ય આરોપી સહેજાદ શેખ તેના મકાનમાં બોગસ કોલ સેન્ટર ચલાવતો હતો.
આરોપીઓ ટેક્ષ નાઉ એપ્લીકેશનથી લોન માટે અમેરિકન નાગરિકોને ફોન કરતા હતા. વીપીએન દ્વારા લોકેશન છુપાવીને વર્ચ્યુઅલ નંબર દ્વારા ફોન કરતા હતા. અમેરિકન કંપનીના અધિકારીની ખોટી ઓળખ આપીને લોનની વાત કરીને ઠગાઇ કરતા હતા. લોન પ્રોસેસની ફી પેટે યુએસડીટી અને ગીફ્ટ કાર્ડ ખરીદી કરાવી રોકડમાં નાણાં મેળવી લેતા હતા.
આરોપીઓએ છેલ્લા પંદર દિવસમાં આશરે 300થી 400 ડોલરની છેતરપિંડી આચરી હતી. માસ્ટર માઈન્ડ સહેજાદ પોતાના ઘરમાં જ ભાગીદારીમાં માણસો રાખી કોલ સેન્ટર શરૂ કરતું હતું. આરોપી સહેજાદ અગાઉ રાજસ્થાનમાં કોલ સેન્ટર ચલાવતો હતો. સહેજાદ અગાઉ મુંબઈમાં કોલ સેન્ટરમાં પણ કામ કરતો હતો. સમગ્ર મામલે વેજલપુર પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.