દીકરીના લગ્નની 15 પાનાંની કંકોત્રી, સંભારણા-સ્મૃતિ સહિત કૃતિનું અનોખું કોમ્બિનેશન
અશ્વિન મકવાણા, બોટાદઃ દિકરી એટલે વ્હાલનો દરિયો… કાળજાનો કટકો અને ઘર આંગણાનો તુલસીક્યારો. સાચા અર્થમાં બધી ઉક્તિઓ ફક્ત શબ્દ નહીં બની રહેતા સાચા અર્થમાં પિતા-પુત્રીનો પ્રેમ સંબંધ અલૌકિક અનૂભૂતિ છે.
સામાજિક રીતિ-રિવાજ મુજબ પુત્રી ગમે તેટલી વહાલી હોયતો પણ ‘પારકી થાપણ’ મુજબ યોગ્ય સમયે લગ્ન બંધનમાં બંધાઈને પિતાનું ઘર છોડી સાસરીયાના સંસારમાં જવા માટે વિદાય આપવી પડતી હોય છે. ત્યારે ગમે તેવા કઠણ કાળજા પણ કમકમીને દિકરીના પ્રેમની અભિવ્યક્તિ પાસે રડી ઉઠે છે. પરંતુ પ્રેમની અભિવ્યક્તિને યાદગાર બનાવી શ્રેષ્ઠ રીતે શણગારીને વહાલસોયી માટે હૃદયના ભાવ વ્યક્ત કરવાની પ્રેરક અને ઉત્કૃષ્ટ કંકોત્રી બોટાદના એક પિતાએ પુત્રીના લગ્ન પ્રસંગે હૈયું રેડીને બનાવી એક અનોખી રીતે લગ્ન પ્રસંગને યાદગાર બનાવવા સુંદર પ્રયાસ કર્યો છે.
બોટાદ શહેરમાં પાંચ પડા વિસ્તારમાં રહેતા નટવરભાઈ હરજીભાઈ કણજરીયાની પુત્રી ‘જાનકી’ ના લગ્ન યોજાવવાના છે. ત્યારે રામ કથાકાર મોરારિબાપુ સહિત નિકટતા ધરાવતા નટવરભાઈ અને પરિવારે દીકરીના લગ્નપ્રસંગ નિમિત્તે પંદર પાનાની બેનમૂન કંકોત્રી છાપી છે. તેમાં ધર્મ, લાગણી, સંસ્કાર, સંસ્કૃતિ અને પરિવારભાવનો સામાજિક સંદેશો આપવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ કંકોત્રીમાં ‘જાનકી લગ્નોત્સવ’ ટાઈટલ અને મોરારિબાપુના આશિર્વાદ ઉપરાંત દીકરી જાનકીનાં સંભારણા, બહેનોની સ્મૃતિઓ, શ્રેષ્ઠ રચના – કૃતિઓ વગેરેનું સુંદર સંકલન કરીને લગ્નપ્રસંગને યાદગાર અને પ્રેરણાદાયી બનાવવા માટે કરેલા ઉત્કૃષ્ટ પ્રયાસને લોકો બિરદાવી રહ્યા છે.