પંજાબમાં BSFએ તોડી પાડ્યું પાકિસ્તાની ડ્રોન, પાર્સલમાંથી નીકળ્યા અધધધ હથિયાર
પંજાબ: પાકિસ્તાન પોતાની નાપાક હરકતો બંધ નથી કરી રહ્યું. ભારતીય સીમામાં પાકિસ્તાની ડ્રોનની ઘૂસણખોરીના સમાચાર અવારનવાર આવતા રહે છે. આજે BSFએ પંજાબના ફાઝિલ્કામાં આંતરરાષ્ટ્રીય સરહદ પાસે પાકિસ્તાનથી આવી રહેલા ડ્રોનને તોડી પાડ્યું છે. ડ્રોન જે પાર્સલ લઈને આવી રહ્યું હતું તે પણ જપ્ત કરી લેવામાં આવ્યું છે. પાર્સલમાં પિસ્તોલ, અને પેકેટ હતું. BSFના અધિકારીએ જણાવ્યું છે કે પંજાબના ફાઝિલ્કામાં ડ્રોન તોડી પાડવામાં આવ્યું છે. પિસ્તોલ અને એક પેકેટ જપ્ત કરવામાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ, BSFના અધિકારીએ જણાવ્યું કે પાકિસ્તાન તરફથી આવી રહેલ ડ્રોન દેખાતા BSFના જવાનોએ ડ્રોન પર ફાયરિંગ કરીને ડ્રોન તોડી પાડ્યું હતું. ત્યારબાદ સર્ચ કરતાં BSFને એક પેકેટની સાથે મેડ ઇન ચાઇના ડ્રોન મળી આવ્યું હતું. પાર્સલમાં ત્રણ પિસ્તોલ અને સાત મેગેઝીન મળી આવી હતી. આ જપ્તી ફાઝિલ્કા જિલ્લાના મહરસોના ગામને અડીને આવેલા કૃષિ વિસ્તારમાં થઈ હતી.
અન્ય એક ઘટનામાં BSFએ ગુરદાસપુરના રત્તર છત્તર ગામ પાસેના ખેતરમાંથી 2.3 કિલો હેરોઈન ધરાવતું પેકેટ ઝડપ્યું હતું. BSF જવાનોએ માહિતીના આધારે કાર્યવાહી કર્યા બાદ હેરોઇન જપ્ત કર્યું હતું. BSF અધિકારીએ જણાવ્યું કે પેકેટ પીળા કલરની સેલોટેપમાં લપેટાયેલું મળી હતું. બે લાકડીઓ સાથે જોડાયેલ નાયલોનની લૂપ પણ મળી આવી હતી.
અગાઉ પણ સામે આવી ચૂકી છે આ પ્રકારની ઘટનાઓ
સરહદ પાર પાકિસ્તાન તરફથી ડ્રગ્સના વેપલા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આવા કિસ્સા અગાઉ પણ સામે આવ્યા છે. ભારત-પાકિસ્તાન સરહદ પરના સંવેદનશીલ પોઇન્ટ્સના મેપિંગ ઉપરાંત, ડ્રોનની હિલચાલ અને માદક દ્રવ્ય અને હથિયારોની દાણચોરીને ચકાસવા માટે એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) તૈયાર કરવામાં આવી છે. BSF સૈનિકો ભારત-પાકિસ્તાન સરહદ પર ડ્રોન પર ક્ષણ-ક્ષણે નજર રાખે છે. ગત વર્ષ દરમિયાન 95 થી વધુ ડ્રોન તોડી પાડવામાં આવ્યા હતા.