February 2, 2025

12 લાખની આવક હોય તો પણ ટેક્સ તો ચૂકવવો જ પડશે, જાણો ગણિત

યશ ભટ્ટ, અમદાવાદઃ આપને 12 લાખ રૂપિયા સુધી આવક પર કોઈ ટેક્સ ચૂકવવાનો નથી, આ વાત ખોટી છે. 0 ટેક્સની વાત ભૂલી જજો મિત્રો. વિસ્તારથી અહીં સમગ્ર ગણતરી તમારા સમક્ષ રજૂ કરી છે. વાંચો અને આપના મિત્રો સુધી જરૂર શેર કરો.

1લી ફેબ્રુઆરીએ આખરે નિર્મલા સિતારમણજીએ સામાન્ય બજેટ 2025 સહુ સમક્ષ મૂક્યું. 12 લાખ રૂપિયા પર કોઈ ટેક્સ ન હોવાથી લોકોને એક મોટી રાહત મળી છે. સરકાર પર ખાસ્સું દબાણ હતું. કઈ રીતે સરકારે આપના ખિસ્સાને હળવું કરી ફરી ભારે કર્યું છે, તે અહીં સમજાવીશું.

પહેલો મુદ્દો તો એ કે આ જે 12 લાખ રૂપિયાની વાત છે તેને આપણે ટેક્સ છૂટ તરીકે ન જોવું જોઈએ. આપને જો હજુ કન્ફ્યુઝન હોય તો સમજી લો કે આ ‘ટેક્સ છૂટ’ નથી. ટેક્સ તો તમારે ચૂકવવાનો જ છે.

જો જૂની ટેક્સ પદ્ધતિમાં આપ છો, તો નવી ટેક્સ પદ્ધતિમાં તમારે આવવું પડે. જે બાદ જે ટેક્સ સ્લેબ છે, તે પ્રમાણે 5, 10 કે 15 ટકા ટેક્સ તમારા TDSમાં કપાઈ જ જવાનો છે. મતલબ ટેક્સ તો તમારે ચૂકવવાનો જ છે. એટલે આને ટેક્સ ‘છૂટ’ ન ગણી શકાય.

જ્યારે તમે ટેક્સ ચૂકવશો તે પછી આ નાણાં પરત મેળવવા માટે તમારે ઈનકમટેક્સ રિટર્ન એટલે કે ITR ફાઈલ કરવું પડશે. જે ટેક્સ તમે TDS થકી ચૂકવ્યો છે, તે ટેક્સની ગણતરી કર્યા બાદ રિટર્ન ફાઈલ કરવા પર સરકાર આપને આ ટેક્સ એક સાથે રિબેટ તરીકે પરત આપશે.

એટલે જૂન, જૂલાઈ, ઓગસ્ટ જ્યારે પણ તમે આ ITR ફાઈલ કરો છો, ત્યારે એકસાથે આ ટેક્સની રકમ તે તમે પહેલ ચૂકવી હતી તે પરત તમારા ખાતામાં આવશે. હવે આ રકમને તમારે જે રીતે ઉપયોગમાં લેવી હોય, તમે લઈ શકો છો.

આ પગલાંથી સરકારે બહુ સ્માર્ટલી તમારા પૈસાથી વ્યાજની આવક કમાઈ લીધી. જેથી રેવેન્યૂ લોસ ન થાય. ઉપરથી સિસ્ટમમાં પૈસા પાછા આપવાથી લોકો આ પૈસા બચાવવાને બદલે ખર્ચ જ કરશે અને સરકારનો એ જ ધ્યેય છે.

હવે આ સરકારનું બીજું સૌથી સ્માર્ટ પગલું! આપની કુલ આવક 12 લાખ પર ટોટલ કોઈ જ ટેક્સ નહીં લાગે એવું નથી. અમુક સરપ્રાઈઝ તો તમારા માટે આપણા ટેક્સ સિસ્ટમમાં છે જ. જેમ કે, કોઈપણ પ્રકારના રોકાણ બાદ આપને મળતો કેપિટલ ગેઈન – નફો સમજો, તેના પર ટેક્સ તો છે જ.

આપ કોઈ પણ મિલકતમાં રોકાણ કરો છો, ચાહે તે સોનું-ચાંદી, જમીન-મકાન, શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડ-SIP કે પછી FD-સેવિંગ સ્કીમ, PF કોઈપણ પ્રકારનું રોકાણ હોય, તેના વેચાણ પર થતા નફા પર કે વ્યાજથી થતી આવક પર એક ટેક્સ લાગે છે. જેનું નામ છે કેપિટલ ગેઈન ટેક્સ.

આ ટેક્સના બે પ્રકાર છે. એક લોન્ગ ટર્મ એટલે કે ખરીદીના 365 દિવસ પછી થયેલી આવક, બીજું શોર્ટ ટર્મ એટલે કે ખરીદીના 365 દિવસ પહેલા થયેલી આવક. આપણા દેશમાં લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન (LTCG) 12.5% છે. જ્યારે શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન (STCG) 20% છે.

હવે મેઈન મુદ્દો, આપને 12 લાખ રૂપિયા અને 75 હજાર સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં મળતો ટેક્સ રિબેટનો લાભ આ આવક પર લાગુ નહીં પડે. મતલબ કે આપની 12,75,000 રૂપિયાની આવકમાંથી LTCG અને STCGથી થયેલી આવક પર આપને ટેક્સ ચૂકવવાનો જ છે. એટલે આપણે આ આવકને અલગ ગણવાની રહેશે.

તું સમજા? તું નહીં સમજા રે…. (મીમની ભાષા, માફી..)

મતલબ કે ટેક્સમાં સંપૂર્ણ છૂટ નથી મિત્રો, આપની સ્ટાન્ડર્ડ આવક પર ટેક્સનો લાભ છે. પરંતુ LTCG અને STCG પર થયેલી આવક પર ટેક્સ છૂટનો લાભ નથી. આ તો સરકારે કાન આખો હાથ ગોળ ફેરવી ઉંધામાથે કરીને પકડ્યો છે. તમારી આવક પર કોઈ ટેક્સ નથી લાગવાનો તે મિથ્યાથી દૂર થઈ જજો મિત્રો.

ટેક્સ તો ચૂકવવાનો જ છે. માત્ર તેણે નવું નામ અને નવું સ્વરૂપ ધારણ કર્યું છે. ટેક્સ પ્રોફેસ્નલ્સની દલીલ એ છે કે, LTCG STCG તો પહેલા પણ હતા, દેશના વિકાસ માટે ટેક્સ જરૂરી છે અને બાકી ઘણી બધી દલીલો છે.

પરંતુ હું એમ કહેવા માંગુ છું કે આપની વાત સાચી, પણ આ વાતને સરકારે ટેક્સ છૂટ તરીકે રજૂ કરવાની નહોતી. સરકારે મધ્યમવર્ગના એક ખિસ્સામાં 1 પૈસો મુકીને બીજા ખિસ્સામાંથી 5 પૈસા કાઢી લીધા છે. આશ્ચર્યની વાત એ છે કે મધ્યમવર્ગને આ તમાચો જોરથી વાગ્યો છે પણ તેને ખબર પણ નથી પડી.