November 24, 2024

કેનેડાના ટોરેન્ટોમાં કાર અકસ્માત, 4 ગુજરાતી ભડથું; બે સગા ભાઈ-બહેન સામેલ

અમદાવાદઃ કેનેડાના ટોરન્ટોમાં ગંભીર કાર અકસ્માત સર્જાયો છે. જેમાં ચાર ગુજરાતીઓનાં મોત નીપજ્યા છે. જેમાંથી બે આણંદના યુવાનો છે. જ્યારે એક ગોધરાના ભાઈ-બહેનની જોડી છે. ઉલ્લેખનીય છે કે, કારમાં આગ લાગતા ચાર લોકો જીવતા ભડથું થઈ ગયા હતા. જ્યારે અન્ય એક વ્યક્તિનો જીવ બચી ગયો છે અને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

બોરસદના યુવાનનું મોત
બોરસદના યુવકનું કેનેડામાં એક કાર અકસ્માતમાં મોત થયું છે. જયરાજસિંહ સિસોદીયા નામના યુવકનું કાર અકસ્માતમાં મોત નીપજ્યું છે. કારમાં આગ લાગતા આ યુવાન જીવતો ભૂંજાયો હતો. મળતી માહિતી પ્રમાણે, આ યુવાન ટોરન્ટોના ડાઉનટાઉનથી કાર લઈને નીકળ્યો હતો. આ કારમાં કુલ પાંચ લોકો સવાર હતા. કાર રોડ સાઇડની ગાર્ડ રેલિંગ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. ત્યારે અકસ્માતમાં ઇલેક્ટ્રિક કારની બેટરી બ્લાસ્ટ થતા દુર્ઘટના સર્જાઈ હતી.

ગોધરાના ભાઈ-બહેન જીવતા ભૂંજાયા
ગોધરાના ગોહિલ પરિવારના પુત્ર અને પુત્રીનાં પણ તેમાં મોત નીપજ્યા છે. ગોધરાના નિવૃત બેન્કકર્મી સંજય ગોહિલના પુત્રી કેતા ગોહિલ અને પુત્ર નિલ ગોહિલનું મોત નીપજ્યું છે. ઉલ્લેખનીય છે કે, કારમાં 5 લોકો સવાર હતા, તેમાંથી 4 લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય એક વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો હતો. પરંતુ તેની પણ હાલત ગંભીર છે. ત્યારે તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

અકસ્માત બાદ મૃતકોની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે અને તે માટે સેમ્પલ કેનેડા મોકલવામાં આવશે. મૃતદેહો વતન પરત લાવવા માટે ગોધરાના ધારાસભ્ય સહિતના અગ્રણીઓએ એમ્બેસી સાથે વાતચીત કરી છે. ગોહિલ પરિવારના સ્વજનના જણાવ્યા અનુસાર, મૃતક કેતા ગોહિલની ટોરોન્ટોના હેલ્થ વિભાગમાં નોકરી હતી અને 10 મહિના પહેલાં જ કેતા ગોહિલ ભાઈ નિલને કેનેડા લઈ ગઈ હતી.