November 5, 2024

અમિત શાહ પર લગાવેલા આરોપો મામલે ભારત લાલઘૂમ, કેનેડિયન અધિકારીઓને સમન્સ પાઠવ્યાં

નવી દિલ્હીઃ કેનેડાના મંત્રી દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર લગાવવામાં આવેલા આરોપો પર ભારતે નારાજગી વ્યક્ત કરી છે. ભારતે કેનેડાના અધિકારીને સમન્સ પાઠવ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, ‘અમે ગઈકાલે કેનેડિયન હાઈ કમિશનના પ્રતિનિધિને બોલાવ્યા હતા. કેનેડા સરકારના મંત્રી ડેવિડ મોરિસન દ્વારા ભારતના કેન્દ્રીય ગૃહમંત્રી વિશે સમિતિ સમક્ષ કરાયેલા વાહિયાત અને પાયાવિહોણા આક્ષેપોનો ભારત સરકાર સખત શબ્દોમાં વિરોધ કરે છે.’

તેમણે કહ્યુ કે, ‘તે પહેલાથી જ સ્પષ્ટ થઈ ગયું છે કે વરિષ્ઠ કેનેડિયન અધિકારીઓએ ભારતને બદનામ કરવા અને અન્ય દેશોને પ્રભાવિત કરવાની સભાન વ્યૂહરચનાનાં ભાગ રૂપે આંતરરાષ્ટ્રીય મીડિયામાં જાણીજોઈને પાયાવિહોણા આરોપો લગાવ્યા છે. વર્તમાન કેનેડિયન સરકારના રાજકીય એજન્ડા અને વર્તણૂકની પેટર્ન અંગે ભારત સરકાર લાંબા સમયથી જે મંતવ્ય ધરાવે છે તે આનાથી સાબિત થાય છે. આવી બેજવાબદારીભરી કાર્યવાહીથી દ્વિપક્ષીય સંબંધો પર ગંભીર પરિણામો આવશે.’

કોન્સ્યુલર ઓફિસર્સની દેખરેખ પર ઉઠાવવામાં આવેલા પ્રશ્નો
રણધીર જયસ્વાલે કહ્યુ કે, ‘અમારા કેટલાક કોન્સ્યુલર ઓફિસરને કેનેડાની સરકાર દ્વારા તાજેતરમાં જ જાણ કરવામાં આવી હતી કે તેઓ હજુ પણ ઓડિયો અને વીડિયો દ્વારા દેખરેખ હેઠળ છે. તેમની વાતચીત પર પણ નજર રાખવામાં આવી રહી છે. અમે કેનેડા સરકારને ઔપચારિક રીતે વિરોધ કર્યો છે, કારણ કે અમે આવી ક્રિયાઓને સંબંધિત રાજદ્વારી અને કોન્સ્યુલર સંમેલનોનું ઘોર ઉલ્લંઘન માનીએ છીએ. કેનેડા સરકાર એ હકીકતને યોગ્ય ઠેરવી શકતી નથી કે તે ટેકનિકલતાને ટાંકીને પજવણી અને ધાકધમકી આપી રહી છે. અમારા રાજદ્વારી અને કોન્સ્યુલર કર્મચારીઓ પહેલેથી જ અલગતાવાદ અને હિંસાના વાતાવરણમાં કામ કરી રહ્યા છે. કેનેડાની સરકારની કાર્યવાહી પરિસ્થિતિને વધુ ખરાબ કરી રહી છે. આ સ્થાપિત રાજદ્વારી ધોરણો અને પ્રથાઓ સાથે અસંગત છે.’

દિવાળીની ઉજવણી રદ કરવાના સમાચાર પર નિવેદન
કેનેડાના પાર્લામેન્ટ હિલમાં દિવાળીની ઉજવણી રદ કરવાના સમાચાર પર વિદેશ મંત્રાલયે કહ્યું કે, ‘અમે આ સંબંધમાં કેટલાક અહેવાલો જોયા છે. તે દુર્ભાગ્યપૂર્ણ છે કે કેનેડામાં વર્તમાન વાતાવરણ અસહિષ્ણુતા અને ઉગ્રવાદના ઉચ્ચ સ્તરે પહોંચી ગયું છે.’ કેનેડા સરકાર દ્વારા વિઝાની સંખ્યામાં ઘટાડા અંગે રણધીર જયસ્વાલે કહ્યું કે, ‘અમે કેનેડામાં કામ કરતા અમારા વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સની સુખાકારી પર નજર રાખી રહ્યા છીએ. અમારી ચિંતા તેમની સુરક્ષા માટે રહે છે.’