Chrome વાપરતા લોકો માટે ચેતવણી, જાણો શું છે બચવાનો ઉપાય
અમદાવાદઃ દેશમાં જેમ જેમ ટેક્નોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે તેમ-તેમ ઓનલાઈન ખતરાઓમાં પણ વધારો થયો છે. મોટાભાગના લોકો ઓનલાઈન જોખમથી કેવી રીતે બચવું તે જાણતા નથી, તેથી તેઓ સરળતાથી તેનો શિકાર બની જાય છે. આ દરમિયાન ભારતીય કોમ્પ્યુટર ઇમર્જન્સી રિસ્પોન્સ ટીમ એટલે કે CERT-Inએ લોકપ્રિય વેબ બ્રાઉઝર Google Chromeને લઈને મોટી ચેતવણી આપી છે. સરકારને સાવધાન કરવા પાછળનું સરળ કારણ સામાન્ય લોકોને જોખમથી બચાવવાનું છે. CERT-Inને Chromeના કેટલાક વર્ઝનમાં ઘણી ખામીઓ કાઢી છે, જે વપરાશકર્તાઓ માટે એક મોટો ખતરો બની શકે છે.
CERT-Inએ તેની એડવાઈઝરીમાં કહ્યું છે કે, ગૂગલ ક્રોમના કેટલાક વર્ઝનમાં ખામીઓ જોવા મળી છે. આ નબળાઈઓ કેટલીક ટાર્ગેટ સિસ્ટમને નિશાને લે છે. તેમજ તેની મહત્તમ અસર ડેસ્કટોપ પર જોવા મળી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ગૂગલ ક્રોમમાં જોવા મળેલી ખામીઓ દ્વારા યુઝર્સના ડિવાઈસ પર રિમોટથી એટેક થઈ શકે છે. આ ઉપરાંત યુઝરનો ડેટા, બેંકિંગ વિગતો, અંગત માહિતી અને મહત્વપૂર્ણ પાસવર્ડની ચોરી થઈ શકે છે. આ સિવાય ચોરાયેલી માહિતીના આધારે યુઝર્સ સાથે છેતરપિંડી પણ થઈ શકે છે.
CERT-Inએ તેના અહેવાલમાં જણાવ્યું છે કે, વપરાશકર્તાના વેબ પેજ પર ડેસ્કટોપ સિસ્ટમ દ્વારા વપરાશકર્તાના ઉપકરણમાં ઘણી નબળાઈઓ ટ્રાન્સમિટ થઈ શકે છે. આ નબળાઈઓ પર મોટા API, મીડિયા સેશન, કિબોર્ડ એક્સેસ દ્વારા હુમલો કરી શકાય છે. સરકારી એજન્સીએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, તે ગૂગલ ક્રોમના 125.0.6422.141/.142 અને મેક અને ગૂગલ ક્રોમના 125.0.6422.141 વર્ઝનમાં જોવા મળ્યું છે. તાજેતરમાં આ ઉણપ શોધી કાઢવામાં આવી છે. આ વર્ઝનનો ઉપયોગ કરનારા વપરાશકર્તાઓની સુરક્ષા જોખમમાં છે.
યુઝર્સે બચવા માટે શું કરવું જોઈએ?
રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, આ સમસ્યાથી બચવા માટે યૂઝર્સે તેમના ડિવાઈસમાં ક્રોમના નવો સિક્યુરિટી પેચને શક્ય હોય તેટલું ઝડપથી ઈન્સ્ટોલ કરવું પડશે.
- આ માટે તમારા બ્રાઉઝર પર જાઓ અને જમણી બાજુએ આપેલા ત્રણ ટપકાં પર ક્લિક કરો.
- ત્યારપછી સેટિંગ્સમાં જઈને અબાઉટ ક્રોમમાં જઈને અપડેટ્સ ચેક કરો.
- જો અપડેટ્સ મળે તો તેના પર ક્લિક કરો અને ઇન્સ્ટોલેશન પૂર્ણ થયા પછી ડિવાઇસ રિસ્ટાર્ટ કરો.