ચારણ સમાજ પર ટિપ્પણી કરનાર ગીગા ભમ્મરના દીકરાએ માફી માગી
અમદાવાદઃ વાયરલ થયેલા વીડિયોને કારણે છેલ્લા બે દિવસથી ચારણ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. આહિર સમાજના સમૂહ લગ્ન વખતે સમાજના અગ્રણી ગીગા ભમ્મરે ચારણ સમાજ સહિત દેવીઓ અંગે વિવાદિત નિવેદન આપ્યું હતું અને ત્યારથી આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે અને ચારણ સમાજે કાયદાકીય કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે. બીજી તરફ આ સમગ્ર મામલે ગીગા ભમ્મરના દીકરા લક્ષ્મણભાઈ ભમ્મરે સમગ્ર ચારણ સમાજની માફી માગી છે.
અનેક પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ
ગીગા ભમ્મરે આહિર સમાજના સમૂહ લગ્નમાં વિવાદિત નિવેદન આપ્યું હતું. ગઢવી સમાજે આ ણંગે દાઠા પોલીસ સ્ટેશનમાં ગીગા ભમ્મર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તો બીજી તરફ અમદાવાદ સાયબર ક્રાઇમમાં પણ ગીગા ભમ્મર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. ભાવનગર, રાણપુર, જામ ખંભાળિયા સહિત અનેક પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધવામાં આવી હતી.
ચારણ સમાજની કડક પગલાં લેવાની માગ
તળાજામાં યોજાયેલા સમૂહલગ્નમાં ગીગા ભમ્મરે સોનલ મા અને ચારણ સમાજ વિશે ટિપ્પણી કરી હતી. તેનો રોષ છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયામાં ભભૂકી રહ્યો છે. તેને લઈને ચારણ સમાજે પણ ટિપ્પણી કરનારા ગીગા ભમ્મર સામે કડક પગલાં લેવાની માગ કરી છે. તેટલું જ નહીં, આ મામલે પ્રાંત કચેરીમાં ચારણ સમાજે આવેદન પણ આપ્યું છે.