November 24, 2024

નસવાડીના ડુંગરાળ પ્રદેશમાં આવેલો ધારસિમેલ ધોધ શરૂ, પ્રવાસીઓ ઉમટી પડ્યાં

નયનેશ તડવી, છોટા ઉદેપુરઃ જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં આવેલા ધારસિમેલ ગામમાં આવેલો ધોધ નિહાળવા માટે દૂરથી દૂરથી પ્રવાસીઓ ઉમટી પડે છે. આ ધોધ 70 ફૂટ જેટલા ઊંચાઈથી પડી રહ્યો છે. સારા વરસાદ પડવાના કારણે ડુંગર વિસ્તારનાં નાના નાના ઝરણાઓ ફૂટી નીકળ્યા છે અને પ્રકૃતિ પણ સોળે કળાએ ખીલી ઉઠી છે.

છોટા ઉદેપુર જિલ્લામાં સારો વરસાદ પડવાના કારણે ડુંગર વિસ્તારનાં નાના ઝરણાઓ ફૂટી નીકળ્યા છે. ડુંગરોએ જાણે લીલી ચાદર ઓઢી લીધી હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. કુદરતી સૌંદર્યની સાથે ધોધ પણ વહેવા લાગ્યા છે. આ કુદરતી ધોધ નિહાળવા આજુબાજુના જિલ્લાના પ્રવાસીઓ પણ ઉમટી પડે છે.

નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં આવેલ ધારસિમેલ ગામમાં વરસાદના પાણીનો દોધ જોવા માટે દૂરથી પ્રવાસીઓ આવે છે. આ ધોધ જોવાનો આનંદ જ કંઈક અલગ છે. પહાડોની વચ્ચે આવેલો આ અતિરમણીય ધોધ ખૂબ જ પ્રખ્યાત છે. પ્રકૃતિના ખોળે સોળે કળા વચ્ચે કુદરતી ઝરણાં વચ્ચે ખૂબ સરસ ધોધ વહી રહ્યો છે. પહાડ પરથી અંદાજે 70 ફૂટની ઉંચાઈ પરથી આ ધોધ પડી રહ્યો છે.

આ ડુંગર વિસ્તારમાં આવેલ ધોધ અતિરમણીય છે. નર્મદા કાંઠે આવેલા આ ધારસિમેલ ધોધના કારણે ડુંગર વિસ્તાર લોકો માટે પ્રિય બની રહ્યો છે. આ ધોધના આજુબાજુના ગામોમાં સ્થાનિક લોકો સિવાય કોઈ આવતું જતું નહોતું. પરંતુ આ ધોધ જેમ જેમ લોકો માટે પ્રિય બની ગયો છે તેમ તેમ આજુબાજુના જિલ્લાઓના લોકો માટે હવે આ વિસ્તાર પણ પ્રિય બની ગયો છે. આ ધોધથી આસપાસના ગામોના લોકોમાં ખૂબ આનંદની લાગણી છવાઈ ગઈ છે. આ ધોધ જોવા માટે આવનારા લોકો આનંદની લાગણી અનુભવે છે.

આ ધોધ પર આવવા જવા માટે કાચો રસ્તો છે. ધોધ સુધી પહોંચવા માટે ભારે મુશ્કેલી પડે છે અને 1 કીમી જેટલું અંતર ચાલતા જવું પડે છે. ધોધ સુધી પહોંચવા માટે પ્રવાસીઓને ભારે તકલીફનો સામનો કરવો પડે છે. પહાડ પર પગદંડી રસ્તા પરથી આ ધોધ સુધી પહોંચાય છે. જેથી સરકાર દ્વારા આ ધોધને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા આવે અને આ ધોધને ડેવલોપ કરવામાં આવે તો આ પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થશે. આ ધોધ સુધી પહોંચવા માટે પાકો રસ્તો બનાવવામાં આવે અને ડેવલોપ કરવામાં આવે તેવી સ્થાનિકો અને પ્રવાસીઓ માગ કરી રહ્યા છે.