સિંગણપોરમાં સ્કૂલવાનની અડફેટે બાળકનું મોત
અમિત રૂપાપરા, સુરત: સુરતના સિંગણપોર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતી નંદનવન સોસાયટીમાં એક પાંચ વર્ષનું બાળક સ્કૂલવાન નીચે કચડાઈ જતા મોત થયું હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી ગુનો દાખલ કરી સ્કૂલ વાહન ચાલકની ધરપકડ કરવામાં આવી છે.
સુરતના કતારગામ વિસ્તારમાં નંદનવન સોસાયટીમાં રત્નકલાકાર પારસ નારીગરા પોતાના પરિવાર સાથે રહે છે. પારસને સંતાનમાં એક પાંચ વર્ષનો દીકરો છે અને તેનું નામ શ્લોક નારીગરા હતું. બુધવારના રોજ પાંચ વર્ષનો શ્લોક તેના ઘર બહાર રમતો હતો તે સમયે શારદા સ્કૂલના વિદ્યાર્થીઓને સ્કૂલે લઈ જતી વાન વિદ્યાર્થીઓને લેવા માટે સોસાયટીમાં આવી હતી. જ્યારે વાહન ચાલક પોતાનું વાહન સોસાયટીમાંથી બહાર કાઢવા માટે રિવર્સ લેતો હતો તે સમયે પાંચ વર્ષનો શ્લોક વાનની નીચે કચડાયો હતો.
આ પણ વાંચો: Paris Olympics 2024: મીરાબાઈ ચાનુ માત્ર 1 kg વજનના કારણે મેડલથી ચૂકી ગઈ
ઘટના બાબતે સ્થાનિક લોકોને માહિતી મળતા લોકો ઘટનાસ્થળ પર એકઠા થઈ ગયા હતા. વાનના ટાયર નીચે આવી જવાના કારણે પાંચ વર્ષના બાળકનું ઘટના સ્થળ પર શ્લોકનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને માહિતી આપી હતી તેથી સિંગણપોર પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને પોલીસ દ્વારા ડ્રાઇવર સંજય પટેલ સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત વાન પણ પોલીસ દ્વારા કબજે લેવામાં આવ્યું છે.
પાંચ વર્ષના દીકરાનું કમકમાટી ભર્યું મોત થતા પરિવારના સભ્યોમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. મહત્વની વાત છે કે રત્ના કલાકાર પારસના 15 વર્ષ પહેલાં લગ્ન થયા હતા અને લગ્ન જીવન દરમિયાન તેમને એકનો એક દીકરો હતો. માસુમ શ્લોક અકસ્માતને ભેટતા પરિવારના પગતળેથી જમીન ખસી ગઈ હતી. તો બીજી તરફ દીકરાના મોત બાદ દીકરાના અંગોથી કોઈને નવું જીવન મળે તે માટે રત્ન કલાકાર પારસ દ્વારા પાંચ વર્ષમાં શ્લોકની આંખોનું દાન કરવામાં આવ્યું હતું.