મુડા કૌભાંડમાં લોકાયુક્ત સમક્ષ હાજર થશે CM સિદ્ધારમૈયા, CBIને તપાસ સોંપી શકે છે હાઇકોર્ટ
Karnataka MUDA Scam: કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ મુડા કૌભાંડ મામલે લોકાયુક્ત સમક્ષ રજૂ થવાની પુષ્ટિ કરી દીધી છે. લોકાયુક્તે કૌભાંડ મામલે પૂછપરછ કરવા સીએમ સિદ્ધારમૈયાને સમન્સ ઇસ્યુ કર્યા હતા. મંગળવારે CMએ હુબલી ધારવાડ વિસ્તારમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન મીડિયાએ તેમને પૂછ્યું કે શું તેઓ લોકાયુક્ત સમક્ષ હાજર થશે, જેના પર સીએમ સિદ્ધારમૈયાએ કહ્યું, ‘હું કાલે સવારે 10 વાગ્યે જઈ રહ્યો છું’.
મુખ્યમંત્રીના પત્નીની પણ કરવામાં આવી છે પૂછપરછ
લોકાયુક્ત પોલીસે સીએમ સિદ્ધારમૈયાને સમન્સ ઇસ્યુ કરીને 6 નવેમ્બરે પૂછપરછ માટે હાજર થવા જણાવ્યું હતું. આ પહેલા સીએમના પત્ની પાર્વતીની પણ આ મામલે 25 ઓક્ટોબરે પૂછપરછ કરવામાં આવી હતી. આ ઉપરાંત પાર્વતીના ભાઈ મલ્લિકાર્જુન સ્વામી અને દેવરાજુની પણ પૂછપરછ કરવામાં આવી છે. મલ્લિકાસ્વામીએ દેવરાજુ પાસેથી જમીન ખરીદી હતી અને તેની બહેન પાર્વતીને ભેટ આપી હતી. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કોઈપણ ગેરરીતિ થયાનો ઇનકાર કર્યો છે અને કહ્યું છે કે વિપક્ષ તેમનાથી ડરે છે, જેના કારણે તેમના પર આરોપો લગાવવામાં આવી રહ્યા છે. મુડા કૌભાંડ કેસમાં EDએ પૂર્વ મુડા કમિશનર ડીબી નટેશની પણ પૂછપરછ કરી હતી. પૂર્વ કમિશનરને પૂછપરછ બાદ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. ED આ કેસની તપાસ મની લોન્ડરિંગના એંગલથી કરી રહી છે.
સીબીઆઈને સોંપવામાં આવી શકે છે તપાસ
મુડા કૌભાંડમાં સીએમ સિદ્ધારમૈયાની મુશ્કેલીઓ સતત વધી રહી છે. હવે કર્ણાટક હાઈકોર્ટે પણ સીએમને નોટિસ પાઠવી છે. વાસ્તવમાં, કર્ણાટક હાઈકોર્ટે મંગળવારે RTI કાર્યકર્તા સ્નેમયી કૃષ્ણા દ્વારા દાખલ કરવામાં આવેલી રિટ પિટિશન પર મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને અન્યને નોટિસ જારી કરી હતી. અરજીમાં મુડા કૌભાંડની તપાસ સીબીઆઈને સોંપવાની સૂચના માંગવામાં આવી છે. જસ્ટિસ એમ નાગપ્રસન્નાએ સિદ્ધારમૈયાની પત્ની પાર્વતી બીએમ, તેમના સંબંધી મલ્લિકાર્જુન સ્વામી, ભારત સંઘ, રાજ્ય સરકાર, સીબીઆઈ અને લોકાયુક્તને પણ નોટિસ પાઠવી હતી. તેમણે લોકાયુક્તને આ કેસમાં અત્યાર સુધી કરવામાં આવેલી તપાસને રેકોર્ડ પર મૂકવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટ આ મામલે આગામી સુનાવણી 26 નવેમ્બરે કરશે.