અહેમદપુર-માંડવી બીચ ખાતે ત્રિ-દિવસીય બીચ ફેસ્ટિવલનો રંગારંગ શુભારંભ
ધર્મેશ જેઠવા, ઉના: ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત ટુરિઝમ દ્વારા ઉના તાલુકાના અહેમદપુર બીચ ખાતે ત્રી-દિવસીય બીચ ફેસ્ટિવલનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. બીચ ફેસ્ટિવલને જિલ્લાના મહાનુભાવોની ઉપસ્થિતિમાં અવકાશમાં બલૂન છોડીને બીચ ફેસ્ટિવલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ આ બીચ ફેસ્ટિવલને સાકાર કરી કલ્પનાને વાસ્તવિકતામાં ઉતારી છે.
ઉલ્લેખનીય છે કે અહેમદપુર-માંડવી બીચ દિવના જાણીતા ઘોઘલા બીચને અડીને જ આવેલો છે. આશરે 7 કિમીથી વધુ લંબાઈ ધરાવતો આ બીચનો કોઈ વિકાસ થયો નથી ત્યારે ગુજરાતની સીમામાં આવેલ બીચનો પણ દિવના બીચની જેમ વિકાસ થાય અને લોકો માટે દરિયાકિનારે ફરવા માટેનું એક નવું સરનામું મળે એ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરેલા પ્રયાસને આજે સફળતા મળી છે. જિલ્લા કલેક્ટરએ આ અવસરે જણાવ્યું કે, આ દરિયાકિનારે આવું આયોજન કરવાનું ફક્ત કલ્પનામાં જ વિચારી શકાય પરંતુ તેને જિલ્લા વહીવટી તંત્ર અને પ્રવાસન નિગમના સંયુક્ત પ્રયાસોથી આજે વાસ્તવિકતામાં સાકાર કર્યું છે.
લોકોને આનંદ-પ્રમોદ મળે તે પ્રકારના આ ત્રિ-દિવસીય આયોજનમાં રંગારંગ સંસ્કૃતિ પ્રસ્તુતિઓ, વિવિધ થીમ પેવેલિયન, ખાણીપીણીના સ્ટોર પણ ઉભા કરવામાં આવ્યાં છે. જેથી નાગરિકો બીચના વિકાસ સાથે સંસ્કૃતિ અને મનોરંજનનો મનભરી આનંદ માણી શકે. અહીં આજરોજ લાઈવ કોન્સર્ટનું આયોજન કરવામાં આવેલ. જેમાં આંતર્રાષ્ટ્રીય સિંગર અનુપ શંકર આવેલ જેને ગુજરાતી ગીત સાથે જૂના નવા અનેક ગીતો ગાઇને લોકોના મન મોહી લીધા હતા.
આ સાથે તેમણે જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાને મલયાલમ ભાષામાં એક ગીતના બોલ મલયાલમ ભાષામાં ગવડવેલા. લાઈવ કોન્સર્ટમાં સ્થાનિક લોકો સ્ટેજ આગળ ગરબે ઘૂમ્યા અને સ્ટેજ ઉપર જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા અને તાલાલા ધારાસભ્ય ભગવાન બારડ અને અધિકારીઓ પણ ગરબે ઘૂમ્યા હતા.