Rajkot અગ્નિકાંડ બાદ 3 બાળકો ગુમ હોવાની ખોટી વિગત આપનાર વિરૂદ્ધ ફરિયાદ
ઋષિ દવે, રાજકોટ: રાજકોટ TRP ગેમઝોન દુર્ઘટનાના 27 હતભાગીઓની DNA મેચિંગના આધારે ઓળખ કરાઈ છે ત્યારે રાજ્યના રાહત કમિશનરે આ અંગે તમામ માહિતી આપી હતી. દરમિયાન એવી પણ જાણકારી આપી હતી કે, આ ઘટના દરમિયાન રાજકોટના એક વ્યક્તિએ બે સંતાનો સહિત ત્રણ લોકો ગુમ થયા હોવાની ખોટી માહિતી આપી હતી અને વહિવટી તંત્ર અને પોલીસને ગેરમાર્ગે દોરી હતી. જેથી તેના વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
રાજકોટ TRP ગેમઝોન દુર્ઘટના જે સમયે બની હતી ત્યારે ગુજરાત આખામાં આ ઘટનાને લઇ દુખની લાગીણી વ્યાપી ગઇ હતી. આ દરમિયાન રાજકોટમાં શોકની લહેર વ્યાપી ગઇ હતી. રાજકોટમાં ઘણા વાલીઓ TRP ગેમઝોન ખાતે પહોંચી ગયા હતા અને પોતાના સગા સંબંધીઓને શોધી રહ્યા હતા. જોકે ઘટના દરમિયાન જ પોલીસ દ્વારા મિસિંગ લોકોની યાદી બનાવવામાં આવી હતી પરંતુ આ યાદીમાં હિતેષભાઈ ઉર્ફે વિજયભાઈ લાભશંકર પંડયા નામના ઇસમે ત્રણ લોકોના નામ ખોટા લખાવી દીધા હતા.
આ પણ વાંચો: રાજ્યના રાહત કમિશનરે રાજકોટ TRP ગેમઝોન દુર્ઘટના મામલે આપી મહત્ત્વની માહિતી
રાજ્યના રાહત કમિશનરે જણાવ્યું કે, હિતેષભાઈ ઉર્ફે વિજયભાઈ લાભશંકર પંડયાએ તેના ભાણેજ તથા તેના જૂના પાડોશીના બે સંતાનો મળીને કુલ ત્રણ વ્યકિત ગુમ હોવાની ફરિયાદ કરી હતી. જોકે તેમની વિગતો ચકાસતાાં આ બાબત ખોટી જણાતાં આ વ્યકિત વિરૂધ્ધ IPCની કલમ 211 હેઠળ એફ.આઈ.આર. દાખલ કરવામાં આવી છે.
TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ FSL ટીમ દ્વારા મૃતદેહોના DNA પરિવારજનોના DNA સાથે મેચ કરવા માટેની કામગીરી દિવસ રાત સતત કરવામાં આવી હતી. અને હાલ કોઈપણ વાલી વારસ તરફથી તેમના પરીવારજનો ગુમ હોવાની ફરીયાદ પેન્ડીંગ નથી અને 27 મૃતદેહો તેમના પરીવારજનોને સોંપી દેવામાં આવેલ છે.