September 12, 2024

ડભોઇના આ ગામમાં આવેલા કષ્ટભંજન દેવનો છે અનોખો મહિમા

દિપક જોષી, ડભોઇ: વડોદરા જીલ્લાનાં ડભોઇ તાલુકાનાં પારીખા ગામે પૌરાણિક કષ્ટભંજન દેવ હનુમાનજીનું મંદિર આવેલું છે. આ મંદિર સાળંગપુરના કષ્ટભંજન દેવ મંદિર જેટલું જ મહત્ત્વ ધરાવે છે. અહીં બિરાજમાન કષ્ટભંજન દેવ હનુમાનદાદાની મૂર્તી. લોકવાયકા છે કે અહી દર્શન કરનાર તમામ દાદાના ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે.

સાળંગપુરના કષ્ટભંજન દેવની મૂર્તિના જેવી આબેહૂબ મૂર્તી છે. જેથી અહીં બિરાજમાન દેવ પણ કષ્ટભંજન હનુમાનજી તરીકે પ્રસિદ્ધ છે. અહીં બિરાજમાન કષ્ટભંજન દેવ હનુમાનદાદા મૂંગા પશુ-પક્ષીઓ અને પ્રાણીઓ પણ માટે ડૉક્ટર સમાન છે. મળતી માહિતી મુજબ, પારીખા ખાતે આવેલ હનુમાનજીની મૂર્તિ આબેહૂબ સાળંગપુરના હનુમાનજીની મૂર્તિ જેવી જ દેખાય છે. કારણ કે બંને મૂર્તિઓ એક જ કારીગર – વ્યક્તિએ બનાવી છે.

સદગુરૂ ગોપાળાનંદ સ્વામીએ કાનાભાઈ બોટાદવાળા નામના કડીયા(શિલ્પી) પાસે આ બંને મૂર્તિ બનાવડાવી હતી. તે બે મૂર્તિ પૈકી હનુમાનજીની એક મૂર્તિની સદગુરૂ ગોપાળાનંદ સ્વામીએ સાળંગપુરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. જ્યારે બીજી મૂર્તિ તેમણે વડોદરા મોકલાવી હતી. જેને તેમના શિષ્ય ઉપેન્દ્રાનંદ સ્વામી પારીખા ગામે લઈ આવ્યાં હતાં અને અહીં તે મૂર્તિ બિરાજમાન કરાવી હતી.