November 22, 2024

ભક્ત માટે ખભા પર ભાલાનું દર્દ ભોગવ્યું, સોનાની વાળીથી તોલાયાં રણછોડરાય!

વિવેક ચુડાસમા, અમદાવાદઃ ગુજરાતમાં ભગવાન શ્રીકૃષ્ણના મુખ્ય ચાર મંદિર આવેલા છે. તેમાં દ્વારકા, ડાકોર, શામળાજી અને તુલસીશ્યામનો સમાવેશ થાય છે. આ ચારેય જગ્યાએ ભગવાન અલગ અલગ રૂપમાં બિરાજે છે. ત્યારે આજે વાત કરીએ ડાકોરના ઠાકોરની.

ડાકોરમાં બિરાજમાન રણછોડરાયજી સાથે અનેક કથા જોડાયેલી છે. એક કથા પ્રમાણે, ખેડાના ડાકોર ગામે ભગવાન કૃષ્ણનો પરમભક્ત બોડાણો રહેતો હતો. તે દર 6 મહિને ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે જતો હતો. ત્યારે વધતી ઉંમરને કારણે બોડાણો વ્યથિત હતો. તે એકવાર તેણે દ્વારકા જઈને ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરી કે, ‘હવે મારી વધતી ઉંમરને કારણે પૂનમ ભરવા માટે દ્વારકા આવવું શક્ય નહીં બને. તમે મારી સાથે ડાકોર આવો.’

આ પણ વાંચોઃ વિશ્વની એકમાત્ર ત્રણ હાથ ઉપર હોય તેવી કૃષ્ણની મૂર્તિ, જાણો ડાકોરના ઠાકોરની વિશેષતા

ત્યારે ભગવાને બોડાણાને કીધું આવતે વખતે તું ગાડું લઈને આવજે અને હું તારી સાથે આવીશ. ત્યારે કહ્યા પ્રમાણે બોડાણો ગાડું લઈને જાય છે અને આ વાતની જાણ ગૂગળી બ્રાહ્મણોને થઈ જાય છે. તેઓ સમગ્ર મંદિરની તાળાબંધી કરી નાંખે છે. બોડાણો ત્યાં ગાડું લઈને પહોંચે છે અને બહારથી જ ભગવાન દ્વારકાધીશના દર્શન કરી વિનંતી કરે છે.

ભક્તને કહ્યા પ્રમાણે દ્વારકાધીશ તાળાબંધી કરેલા મંદિરમાંથી નીકળે છે અને બોડાણા સાથે ગાડામાં બેસી જાય છે. ડાકોર આવતી વખતે અડધે રસ્તે બોડાણો થાકી જાય છે ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ સારથિ બનીને ગાડું ચલાવે છે, તેવી પણ લોકવાયકા છે.

દ્વારકાના જગત મંદિરના દરવાજા ખોલતાં જ ગૂગળી બ્રાહ્મણો અવાચક્ થઈ જાય છે. કારણ કે, મંદિરમાંથી ભગવાન કૃષ્ણની મૂર્તિ ગાયબ થઈ ગઈ હોય છે. તેમને બોડાણાની વાત જાણ થાય છે કે, ભગવાન તેમની સાથે ડાકોર ચાલ્યા ગયા છે. ત્યારબાદ ગૂગળી બ્રાહ્મણો સહિત તે સમયનાં રજવાડાનો સૂબો સહિત સૈન્ય પણ ડાકોર આવે છે. બોડાણો ત્યારે જ ભગવાનની મૂર્તિ ગોમતી મંદિરમાં સંતાડી દે છે.

ગૂગળી બ્રાહ્મણો ડાકોરમાં આવીને હોબાળો કરે છે અને બોડાણાને મૂર્તિ પાછી આપવા માટે કહે છે. સૈન્ય આખું ડાકોર ફેંદી નાંખે છે પરંતુ ભગવાન ક્યાંય મળતા નથી. અંતે તેઓ બોડાણાને ખભામાં ભાલો મારે છે અને તેનું મૃત્યુ થાય છે. ત્યારે ભક્તને વાગેલા ભાલાનો ઘા તળાવમાં રહેલી મૂર્તિમાં પણ વાગે છે અને ત્યાં પાણી લોહીયાળ થઈ જાય છે. આ જાણ થતાં જ તે જગ્યાએ તપાસ કરતા ભગવાન કૃષ્ણની મૂર્તિ ત્યાંથી મળી આવે છે.

અનેક પ્રયત્નો કરવા છતાં ભગવાન કૃષ્ણની મૂર્તિ આપવા માટે બોડાણાની પત્ની તૈયાર નથી થતી. ત્યારે ગૂગળી બ્રાહ્મણો તેમને મૂર્તિને ભારોભાર સોનું આપવા માટે કહે છે. ગૂગળી બ્રાહ્મણો જાણતા હતા કે, બોડાણો ગરીબ હોય છે, તેની પાસે આટલું સોનું ક્યાંથી હોય એટલે તેમને મૂર્તિ મળી જશે. પરંતુ બોડાણાની પત્ની ભારોભાર સોનું આપવા માટે તૈયાર થયા.

અંતે ગૂગળી બ્રાહ્મણોની સામે ભગવાનની સ્વર્ણતુલા કરવામાં આવી. જેમાં બોડાણાની પત્નીએ તેમના નાકમાં પહેરેલી સોનાની વાળી મૂકતાં જ તુલા નમી ગઈ હતી અને ગૂગળી બ્રાહ્મણોને વાળી જેટલું જ સોનું લઈને પરત ફરવું પડ્યું હતું. ત્યારબાદ શરૂઆતમાં મૂર્તિ બોડાણાના ઘરે જ રાખીને પૂજા કરવામાં આવતી હતી. પછી ગામના એક પટેલે જમીન આપી અને ત્યાં ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું હતું. જે આજે પણ હયાત છે. આ મંદિરમાં જ ભગવાન કૃષ્ણની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ રીતે કહી શકાય કે, દ્વારકામાં તે સમયે જે ઓરિજિનલ મૂર્તિ હતી, તે આજે ડાકોરમાં છે.

મંદિરમાં રણછોડરાયજીની સેવાપૂજા કરતા સેવક જણાવે છે કે, આજે પણ ભગવાનના ખભે ભાલાનું નિશાન છે. જે આ કથાની સાક્ષી પૂરે છે. આ ઉપરાંત જે જગ્યાએ ભગવાનને ભાલો વાગ્યો હતો, તે જગ્યાએ તળાવમાં નાનકડું મંદિર પણ બંધાવવામાં આવ્યું છે.