September 19, 2024

માતૃભાષામાં એન્જિનિયરિંગ અભ્યાસની જાહેરાત છતાં બે વર્ષમાં ન મળ્યો એકપણ વિદ્યાર્થી

આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદ: રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગે છેલ્લા બે વર્ષથી ગુજરાતી ભાષામાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરાવવાની જાહેરાત કરી હતી અને તે માટે મહેસાણાની એન્જિનિયરિંગ કોલેજમાં દરેક બ્રાંચમાં 34 જેટલી બેઠકોથી શરૂઆત કરવામાં આવી હતી. પરંતુ, ગંભીર બાબત એ છે કે આ બે વર્ષ દરમિયાન એક પણ વિદ્યાર્થી આ કોલેજને મળ્યો નથી અને અને આ ત્રીજા વર્ષે બે વિદ્યાશાખામાં 6 જેટલા વિદ્યાર્થીઓએ આમા રસ દાખવ્યો છે.

માતૃભાષામા અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ પણ એન્જીનિયરિંગ અને મેડિકલનો અભ્યાસ કરી શકે તે માટે સરકાર દ્વારા ગુજરાતી માધ્યમની કોલેજો શરૂ કરવામા આવી છે પરંતુ સ્થિતી એવી છે કે કોલેજોને વિદ્યાર્થીઓ નથી મળી રહ્યા.. એન્જિનિયરિંગ ના અભ્યાસ માટે મહેસાણાની જીપેરી એન્જિનિયરિંગ કોલેજ ની પસંદગી કરવામા આવી હતી. જ્યાં દરેક બ્રાન્ચમાં 34 જેટલી સીટો ગુજરાતી માધ્યમમાં એન્જિનિયરિંગ અભ્યાસ માટે ફાળવવામાં આવી છે. પરંતુ ત્રણ વર્ષથી ગુજરાતી ભાષામાં એન્જિનિયરિંગ નો અભ્યાસ શરૂ કરવાનો પ્રયોગ નિષ્ફળ સાબિત થયો છે. એન્જિનિયરિંગના અભ્યાસ માટે વિદ્યાર્થીઓને માતૃભાષા શિક્ષણમાં રસ નથી. સત્તત ત્રીજા વર્ષે ગુજરાતી માધ્યમમાં એન્જિનિયરિંગ કરવા વિદ્યાર્થીઓએ ઉદાસીનતા દર્શાવી છે.

એસીસીપીના મેમ્બર સેક્રેટરી ડો. નિલય ભુપતાણીએ જણાવ્યુ હતુ કે આ વખતે ગુજરાતીમાં એન્જીનિયરિંગ માટે માત્ર 6 વિદ્યાર્થીઓએ જ રસ દાખવ્યો છે.. મિકેનિકલ એન્જિનિયરિંગમાં 2 જ્યારે કોમ્પ્યુટર એન્જીનિયરિંગમા 4 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યા છે. અગાઉ 2 વર્ષ માં માત્ર 4 વિદ્યાર્થીઓએ જ ગુજરાતી માધ્યમમાં પ્રવેશ મેળવ્યો હતો. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીએ એન્જિનિયરિંગના ગુજરાતી પુસ્તકો પણ પ્રકાશિત કર્યા છે.

વિદ્યાર્થીઓ ગુજરાતી માધ્યમમાં એન્જિનિયરિંગ નો અભ્યાસ માટે પ્રવેશ મેળવી લે પરંતુ આગળ ડિગ્રી એન્જિનિયરિંગ કે ઉચ્ચ અભ્યાસ માટે અંગ્રેજી માધ્યમની જ જરૂર પડતી હોવાનું વિદ્યાર્થીઓ એડમિશન નથી મેળવી રહ્યા.. ડિપ્લોમા કે ડિગ્રી એન્જીનિયરિંગ બાદ વિદેશમાં જોબ મળે તો પણ વિદ્યાર્થીઓને તકલીફ પડી શકે તેમ હોઇ વિદ્યાર્થી ગુજરાતીમા એન્જીનિયરિંગ કરવા માટે ઉદાસીન છે.