September 6, 2024

દ્વારકામાં ભારે વરસાદના પગલે ખેતરો પાણી-પાણી, પાક નિષ્ફળ જવાની ભીતિ

દેવભૂમિ દ્વારકાઃ કલ્યાણપુર તાલુકાના રાવલ આસપાસ વિસ્તારમાં કાપેલા ધોધમાર વરસાદના કારણે ખેતરોમાં પાંચ પાંચ ફૂટ સુધીના પાણી ભરાઈ જતા મગફળી સહિતનો પાક નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતો સવી રહ્યા છે.

રાવલ, રાણપરડા, સૂર્યાવદર સહિત આસપાસ વિસ્તારોમાં સાની ડેમના પાણી ફરી વળ્યા હોવાથી ખેતરોમાં પાણી ઘૂસ્યા છે. ખેતરોમાં પૂરના પાણી ફરી વળતા મગફળી સહિતનો પાક પાણીમાં ગરકાવ થયો હતો. ત્યારે ખેડૂતો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવી રહ્યા છે.

ખેડૂતો ચિંતામાં મૂકાયા છે કે, આખરે પાક નિષ્ફળ જશે તો વળતર કોણ ચૂકવશે. સરકારે એક તરફ પાક વીમો બંધ કર્યો છે. તો બીજી તરફ, ખેડૂતો માટે આ વરસાદ મુસીબત લઈને આવ્યો હોય તેવો ઘાટ સર્જાયો છે. સ્થાનિક ખેડૂતો ઈચ્છી રહ્યા છે કે, સરકાર દ્વારા પાક વીમા યોજના ફરીથી શરૂ કરવામાં આવે.

આ પણ વાંચોઃ ભારે વરસાદથી જૂનાગઢમાં તારાજી, પાક ધોવાતા ધરતીપુત્રો પાયમાલ

સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર, હાલ સાની ડેમના પાણી તેમજ વરસાદી પાણીના પુર ખેતરોમાં ફરી વળ્યા છે. ત્યારે ખેતરોમાં જમીન ધોવાણ પણ થયા હોવાનું જણાવી રહ્યા છે. આ સાથે મગફળીનો પાક પાણી ઓસર્યા બાદ અંદાજ લગાવી શકાય કે નિષ્ફળ ગયો છે કે નહીં. ત્યારે હાલ આફતરૂપી વરસાદના પૂર ચારેતરફ ફરી વળતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે.