સુરત સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા ટી.બી.ના દર્દીઓને પ્રોટીન યુક્ત આહારની કીટનું વિતરણ
સુરત: સ્વામિનારાયણ ગુરુકુલ વેડરોડ સુરત શાખા દ્વારા પ્રધાનમંત્રી ટી.બી. મુક્ત ભારત અભિયાન અંતર્ગત ફેઈથ બેઈઝ ઓર્ગેનાઇઝેશન ટીબી પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સરકારે ધાર્મિક સંસ્થાઓના સાધુ સંતો તથા સેવકોના સહારે શરૂ કરવામાં આવેલ આ અભિયાનને કારણે સુરત શહેરના વિવિધ વોર્ડના 1000 જેટલા ટીબી ક્ષય રોગમાં સપડાયેલા મહિલા પુરુષોને પોષણક્ષમ આહારની કીટ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં ભારત સરકારના સેન્ટ્રલ ડીબી ડિવિઝનના ડો. ધર્મ રાવ, વિશ્વ આરોગ્ય સંસ્થાના ડો. રાહુલ સંઘવી તથા સુરત જિલ્લાના આરોગ્ય અધિકારી ડો. અનિલ પટેલ, ડૉ. શેલડિયા (ડીસ્ટ્રીક પ્રોગ્રામ મેનેજર) ઉપસ્થિત રહ્યા હતા.
શાસ્ત્રી સ્વામી વિરક્તજીવનદાસજી સ્વામીએ દીપ પ્રાગટય કરાવી ઉપસ્થિત દર્દીઓ અને સરકારના અધિકારીઓને જણાવ્યું હતું કે, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં આપેલ આદેશ ‘દીન જનને વિશે દયાવાન થવું તથા રોગાર્તની સેવા આજીવન કરવાના’ આદેશને અનુસરી 65 વર્ષ પહેલા રાજકોટમાં દવાખાનાનો પ્રારંભ કરાવ્યો હતો. આજે ધર્મજીવન હોસ્પિટલ દ્વારા અનેક દર્દીઓની સારવાર થઈ રહી છે.
આ પ્રસંગે રાષ્ટ્રીય ટીબી નાબૂદી પ્રોજેક્ટના ડાયરેક્ટર ડૉ. પરેશ દવેએ જણાવ્યું હતું કે ત્રણ મિનિટમાં બે વ્યક્તિને મોત આપી રહેલા ટીબીને 2030 સુધીમાં ભારતમાંથી ભગાડવાનું અભિયાન પીએમ નરેન્દ્ર મોદીની સરકારે શરૂ કર્યું છે. થોડી કાળજી અને સરકાર દ્વારા વિના મૂલ્યે અપાતી દવા નિયમિત લેવાથી ક્ષય મુક્ત થઈ શકાય તેમ છે.
આ પ્રસંગે વેડ રોડ સ્વામિનારાયણ ગુરુકુલના મહંત સ્વામીશ્રી ધર્મવલ્લભદાસજી સ્વામીએ ઉપસ્થિત ૧૦૦૦ દર્દીઓને જલ્દીથી ટી.બી. મુક્ત થવાના આશીર્વાદ સાથે સૌને પ્રાર્થના કરાવી હતી. વેડરોડ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સુરતના શ્રી પ્રભુ સ્વામીના જણાવ્યાં અનુસાર વિશ્વ આરોગ્ય સંસ્થાએ 24 માર્ચ વિશ્વ ક્ષય નિવારણ દિન જાહેર કર્યો છે. આ વખતે 24 માર્ચે હોળીનું પર્વ હોવાથી તે પૂર્વે સુરતના વિવિધ વોર્ડના ટીબીના દર્દીઓને પોષણક્ષમ આહારની કીટ અર્પણ કરવાનો કાર્યક્રમ આજે વેડરોડ, ધર્મજીવન ચોક પાસે દેવમણિ ફાર્મમાં રાખવામાં આવ્યો છે. આ પ્રોટીન યુક્ત અનાજ કઠોળ વગેરેની કીટ બનાવવાની સેવા સ્વામિનારાયણ ગુરુકુલના વિદ્યાર્થીઓ તથા ભક્તિ મહિલા મંડળના બહેનોએ કર્યો હતો. સાથે સાથે આ કાર્યક્રમના અંતે 1000 દર્દીઓને ભગવાનને જમાડેલ પ્રોટીન યુક્ત પોષાણક્ષમ ભોજન પ્રસાદ પણ જમાડવામાં આવ્યાં હતા.