November 22, 2024

એક સમયે પ્રેમિકા જોડે પૈસા માંગતો એક્ટર આજે છે કરોડપતિ ગુજરાતી બોલીવુડ એક્ટર

Do You Know This Star: ઘણા લોકો જીવનમાં આગળ વધવા માટે જોખમ ઉઠાવવામાં શરમાતા નથી. આજે અમે તમને એવા જ એક અભિનેતા વિશે જણાવીશું જેમણે માત્ર 3 જ દિવસમાં બેંકની નોકરી છોડી દીધી. ત્યારબાદ તેમણે ફિલ્મોમાં પોતાની ઓળખ બનાવવા માટે ઘણો સંઘર્ષ કર્યો. તેમણે ગુજરાન ચલાવવા માટે જીવિત રહેવા માટે ગર્લફ્રેન્ડ પાસેથી પૈસા ઉછીના પણ લેવા પડ્યા હતા. જો કે, આ અભિનેતાની મહેનત રંગ લાવી અને આજે તેઓ બોલિવૂડનો એક તેજસ્વી અભિનેતા જ નથી પરંતુ કરોડોની સંપત્તિનો માલિક પણ છે.

અમે જે અભિનેતાની વાત કરી રહ્યા છીએ તેઓ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા છે અને તેમણે 240થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમને 2014માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રીના રાષ્ટ્રીય સન્માનથી પણ નવાજવામાં આવ્યા હતા. આ એક્ટર અન્ય કોઈ નહીં પણ આપના ગુજરાતી કલાકાર અને સાંસદ પરેશ રાવલ છે. પરેશ રાવલ બોલિવૂડના સૌથી પ્રતિભાશાળી કલાકારોમાંથી એક છે. જોકે, તેમણે આ સ્થાન સુધી પહોંચવા માટે ઘણો સંઘર્ષ કર્યો છે.

ત્રણ જ દિવસમાં છોડી દીધી હતી બેંકની નોકરી
પરેશ રાવલનો જન્મ 30 મે, 1955ના રોજ બોમ્બે (હાલ મુંબઈ)માં એક મધ્યમ વર્ગના ગુજરાતી પરિવારમાં થયો હતો. તેમણે મુંબઈના વિલે પાર્લેની નરસી મોંજી કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઈકોનોમિક્સમાં અભ્યાસ કર્યો હતો. કોલેજ પૂર્ણ કર્યા બાદ પરેશ રાવલે વહેલી તકે નોકરી મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો. અભિનેતાએ અનુપમ ખેરના શોમાં કહ્યું હતું કે તેમના પરિવારમાં પોકેટ મનીનો કોઈ કોન્સેપ્ટ જ ન હતો. તેથી તેમણે બેંકમાં નોકરી શોધવાનું નક્કી કર્યું. તેમણે બેંક ઓફ બરોડામાં નોકરી શરૂ કરી પરંતુ માત્ર ત્રણ જ દિવસ બાદ નોકરી છોડી દીધી કારણ કે તેઓ બેંકની નોકરીથી સંતુષ્ટ ન હતા.

પ્રેમિકા પાસેથી ઉછીના પૈસા લઈને ચલાવતા
બેંકની નોકરી છોડ્યા પછી પરેશ રાવલ પોતાનું ગુજરાન ચલાવવા માટે તે સમયે તેમની ગર્લફ્રેન્ડ, પ્રેમિકા, એક્ટ્રેસ અને મિસ ઈન્ડિયા 1979ની વિનર સ્વરૂપ સંપત પાસેથી પૈસા ઉછીના લેતા હતા. આખરે બંનેએ 1987માં લગ્ન કરી લીધા. બાદમાં તેમને બે સંતાનો પણ થયા. આદિત્ય અને અનિરુદ્ધ.

ફિલ્મ ‘નામ’થી વિલનના રોલમાં મળી લોકપ્રિયતા
પરેશ રાવલે ફિલ્મી કરિયરની શરૂઆત 1982માં ગુજરાતી ફિલ્મ ‘નસીબની બલિહારી’થી કરી હતી. તેમની પ્રથમ હિન્દી ફિલ્મ ‘હોલી’ (1984) હતી. આ ફિલ્મ આમિર ખાન અભિનીત હતી અને મીરા નાયર દ્વારા નિર્દેશિત હતી. સની દેઓલની ફિલ્મ ‘અર્જુન’ (1985)માં કામ કર્યા બાદ તેમને સફળતા મળી હતી. ત્યારબાદ, પરેશ રાવલને 1986માં આવેલ સંજય દત્તની ફિલ્મ ‘નામ’માં વિલનની ભૂમિકામાં મળી. આ રોલથી તેમને ખૂબ જ લોકપ્રિયતા મળી અને ત્યારબાદ પરેશ રાવલે અકસર, ડકૈત, કબઝા, રામ લખન, સ્વર્ગ, ઝુલ્મ કી હુકુમત અને દામિની જેવી ફિલ્મોમાં મુખ્ય વિલન, ગ્રે શેડ વાળા પાત્રો અથવા વિલનના સપોર્ટર્સના પાત્રો ભજવ્યા.

કોમિક રોલમાં પણ થયા જબરા ફેમસ
વર્ષ 2000માં, પરેશ રાવલે પ્રિયદર્શનની ફિલ્મ ‘હેરાફેરી’માં મહારાષ્ટ્રીયન ગેરેજ માલિક બાબુરાવ ગણપતરાવ આપ્ટેની ભૂમિકા ભજવી હતી. બાબુરાવની ભૂમિકામાં તેમના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી અને તેના માટે તેમને ઘણા પુરસ્કારો મળ્યા હતા. તેમણે ‘ફીર હેરા ફેરી’ (2006) માં ફરી આ ભૂમિકા ભજવી અને ‘હેરાફેરી 3’ માં પણ તેઓ જોવા મળશે. તેમણે સોશિયલ કોમેડી ‘OMG: ઓહ માય ગોડ’માં પણ અભિનય કર્યો હતો અને ટેબલ નંબર 21 માં ગ્રે-શેડનું પાત્ર ભજવ્યું હતું.

આ પણ વાંચો: રોડ એક્સિડન્ટમાં ગંભીર રીતે ઘાયલ થયા પરવીન દબાસ, ICUમાં દાખલ

કેટલી સંપત્તિના માલિક છે પરેશ રાવલ
તાજેતરના અહેવાલો અનુસાર, પરેશ રાવલ એક ફિલ્મ માટે લગભગ 5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. આજે અભિનેતા પાસે ખ્યાતિ અને સંપત્તિ બધું જ છે. અહેવાલો અનુસાર, અભિનેતાની કુલ સંપત્તિ 93 કરોડ રૂપિયા છે. જો કે, અભિનય સિવાય, અભિનેતાઓ જાહેરાત, મોડેલિંગ અને અન્ય ઘણા સ્રોતોમાંથી કમાણી કરે છે.