September 27, 2024

અમિત શાહનો રાહુલ ગાંધીને ટોણો, શું તમે MSPનું પૂરું નામ જાણો છો?

Haryana Election: ખેડૂતોના હિતને લઈને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુક્રવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું અને પૂછ્યું કે શું તમે MSPનો મતલબ ખબર છે? વધુમાં કહ્યું કે હરિયાણામાં ભારતીય જનતા પાર્ટી(BJP) સરકાર લઘુત્તમ ટેકાના ભાવ (MSP) પર 24 પાક ખરીદી રહી છે. ખેડૂતોના મુદ્દે કોંગ્રેસની ટીકા કરતા અમિત શાહે કહ્યું કે કેટલાક NGOએ રાહુલ ‘બાબા’ને કહ્યું છે કે તેઓ MSPના નામે વોટ મળશે. તેમણે કહ્યું “રાહુલ બાબા, શું તમે MSPનું પૂરું નામ જાણો છો?” શું તમે એ પણ જાણો છો કે રવિ પાક કયો છે અને ખરીફ પાક કયો છે?

શાહે કહ્યું કે હરિયાણામાં ભાજપ સરકાર MSP પર 24 પાક ખરીદી રહી છે. તેમણે કહ્યું, “હરિયાણાના કોંગ્રેસના નેતાઓએ જણાવવું જોઈએ કે કોંગ્રેસ શાસિત કયું રાજ્ય આટલા બધા પાકની ખરીદી કરી રહ્યું છે.” શાહે પૂછ્યું, “કર્ણાટક અને તેલંગાણામાં MSP પર કેટલા પાકની ખરીદી કરવામાં આવી રહી છે?” તેમણે કહ્યું કે કોંગ્રેસના શાસનમાં ડાંગરની ખરીદી 1300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતી પરંતુ હવે ડાંગર 2300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદવામાં આવે છે અને જો તમે હરિયાણામાં ભાજપની સરકાર પસંદ કરશો તો અમે 3100 રૂપિયા (પ્રતિ ક્વિન્ટલ)ના ભાવે ડાંગરની ખરીદી કરીશું.

કોંગ્રેસ પર નિશાન સાધતા અમિત શાહે કહ્યું કે નરેન્દ્ર મોદી સરકારે ‘વન રેન્ક વન પેન્શન’ની લાંબા સમયથી પડતર માંગણી પૂરી કરી છે. શાહે કહ્યું કે ભાજપ હરિયાણામાં સમાન વિકાસ લાવ્યો છે અને છેલ્લા 10 વર્ષમાં ભ્રષ્ટાચાર ખતમ થયો છે. ભાજપના વરિષ્ઠ નેતાએ કહ્યું કે, “કોંગ્રેસની સરકારો કાપ, કમિશન અને ભ્રષ્ટાચારના આધારે ચાલતી હતી જ્યારે ડીલરો, દલાલો અને જમાઈઓનું શાસન હતું.” હરિયાણામાં 5 ઓક્ટોબરે વિધાનસભાની ચૂંટણી યોજાશે અને 8 ઓક્ટોબરે પરિણામ જાહેર થશે.