Drone didi Yojana 2024: બનાસકાંઠાની આ મહિલાએ ‘ડ્રોન દીદી’ બનીને લગાવી ઉંચી છલાંગ
રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 28 નવેમ્બર 2023 ના દિવસે આ ડ્રોન દીદી યોજના અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના ઠાકોર સમાજની એક મહિલાએ ઊંચી છલાંગ લગાવી કેન્દ્ર સરકારની ડ્રોન દીદી યોજના દ્વારા લાખો રૂપિયાનું ડ્રોન મેળવ્યું છે મહારાષ્ટ્રના પૂનામાં 15 દિવસની ટ્રેનિંગ મેળવ્યા બાદ આ મહિલા સફળતાપૂર્વક પોતાના ખેતરમાં ડ્રોનનો ઉપયોગ કરીને દવાનો છંટકાવ કરીને ડ્રોન પાયલટ બની છે અને આધુનિક ખેતીની શરૂઆત કરીને સરકારના સ્ત્રી સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પાડી રહી છે. નોંધનીય છે કે આ યોજના હેઠળ 15000 મહિલા સ્વયં સહાયતા સમૂહને ડ્રોન આપવામાં આવશે. પીએમ નરેન્દ્ર મોદી દ્વારા આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ખેડૂતોને કૃષિ સાથે સંકળાયેલ કાર્યો જેવા કે જંતુનાશક તથા કીટકનાશક નો છંટકાવ કરવો તેના માટે ડ્રોન આપવાનો છે. ખેડૂતો આ ડ્રોન ને સ્વયં સહાયતા સમૂહથી ડ્રોનને ભાડે લઈ શકે છે જેના કારણે તે ખેડૂતને પણ ફાયદો થશે તથા સ્વયં સહાયતા સમૂહ ની મહિલાને પણ લાભ થશે.
ગ્રામીણ વિસ્તારની મહિલાઓ પગભર બને તે માટે પ્રધાનમંત્રી દ્વારા વિવિધ યોજનાઑ શરૂ કરવામાં આવી છે. આ યોજનાઓમાં ડ્રોન દીદી યોજનાનો પણ સમાવેશ થાય છે. આ યોજના અંતર્ગત મહિલાઓને કૃષિમાં જંતુ નાશક દવાનો છંટકાવ કરવા માટે ડ્રોન આપવામાં આવી રહ્યા છે. ત્યારે આ મહિલાઓની આ કલ્યાણકારી યોજનામાં બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રાણપુર ગામની એક મહિલાની પસંદગી થઈ હતી. જે 15 દિવસની પૂનામાં ટ્રેનિંગ લઈને ડ્રોન પાયલટ બની છે.
જોકે કેન્દ્ર સરકાર દ્વારા આ મહિલાને ડ્રોન તેમજ જનરેટર અને બેટરી સંચાલિત રીક્ષા આપવામાં આવી છે જેથી આ મહિલા હવે બનાસકાંઠા જિલ્લામાં ડ્રોન પાયલટ બનતા હવે ડ્રોન દીદી તરીકે ઓળખવા લાગી છે. સાડી પહેરી હાથમાં ડ્રોનનું રિમોર્ટ લઈને પોતાના ખેતરમાં ડ્રોન ઉડાડતી આ મહિલા તેજલબેન સોલંકી છે. તેજલબેન ઠાકોર સમાજ માંથી આવે છે અને આ જીલ્લામાં ઠાકોર સમાજને રૂઢિચુસ્ત સમાજ તરીકે ઓળખવામાં આવે છે.. ઠાકોર સમાજમાં મહિલાઓ મોટાભાગે ઘરના કામ કાજ કરતી હોય છે, પરંતુ તેજલબેનના સાસરિયાઓએ તેજલબેન ખેતી માટે પ્રોત્સાહિત કર્યા હતા અને તેમની પસંદગી ડ્રોન દીદી યોજનામાં થતાં સરકાર દ્વારા તેજલબેનને પુના ખાતે 15 દિવસની ટ્રેનિંગ માટે ગયા હતા. ટ્રેનિંગ દરમિયાન તેજલબેન ડ્રોન ઉડાડવા તેમજ તેના દ્વારા ખેતી કેવી રીતે કરવી તેનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું તે બાદ સરકાર દ્વારા તેજલબેનને ખેતીમાં મદદરૂપ બનવા માટે અંદાજે 15 લાખ રૂપિયાનું ડ્રોન તેમજ ઇલેક્ટ્રિક વહીકલ બિલકુલ નિઃશુલ્ક આપવામાં આવ્યું છે. જેને લઈ પછાત બનાસકાંઠા જિલ્લાના રૂઢિચુસ્ત સમાજની આ મહિલા અત્યારે ટેકનૉલોજિની મદદથી આધુનિક ખેતી તરફ વળી ખેતીમાં ટેકનૉલોજિનો ઉપયોગ કરી રહી છે. ખેતરમાં ડ્રોન ઉડાડીને તેજલ સોલંકી ગર્વ અનુભવી રહી છે આધુનિક ડ્રોન આપવા માટે સરકાર અને પીએમ મોદીનો આભાર માની રહી છે.
બનાસકાંઠા જિલ્લાના રૂઢિચુસ્ત પરિવારમાં રહેવા છતાં તેજલના સાસરિયાઓએ પોતાની પુત્રવધુને કોઈપણ પ્રકારના બંધનમાં ન રાખતા તેને આધુનિક ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરતા આજે તેજલ સોલંકી પાયલટ દીદી બનતા તેના પરિવારજનો ખુશી વ્યક્ત કરી ગર્વ અનુભવી રહ્યા છે. તેજલ સોલંકી પોતાના ખેતરમાં ડ્રોન ઉડાડતા અનેક લોકો આ ડ્રોન પાયલટ બનેલી ડ્રોન દીદીને જોવા આવી રહ્યા છે. ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ પણ આ મહિલાને ડ્રોન ઉડાડતા જોઈ તેના ઉપર ગર્વ અનુભવીને અન્ય મહિલાઓને આગળ આવવા માટે આ મહિલા પ્રોત્સાહન આપ્યું હતું.